અયોધ્યા : રામજન્મભૂમિની સ્થાપનાની અત્યાર સુધીની ગાથા.
"આ ગાથા છે અયોધ્યાની. અયોધ્યા, અજુધ્યા કે પછી અવધની. ત્રેતાયુગથી અત્યાર સુધીની. આ પવિત્ર નગરીની સ્થાપનાથી માંડીને રામમંદિરના નિર્માણ સુધીની..."
ભાગ-૧
- પૌરાણિક ઇતિહાસમાં અયોધ્યા સૌથી પ્રાચીન અને પવિત્ર ગણાતી ૭ નગરીમાં પ્રથમ છે. એ પવિત્ર નગરીઓ એટલે અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિકા (ઉજ્જૈન) અને દ્વારકા. અયોધ્યાનું સૌપ્રથમ વર્ણન અથર્વવેદમાં મળે છે. એ વેદમાં અયોધ્યાને દેવતાઓની નગરી કહેવાઈ છે... અષ્ટચક્રા નવદ્વારા દેવાનાં પુરયોધ્યા. દેવતાઓની નગરી એટલા માટે કહેવાતી હશે કારણ કે બ્રહ્માજીના માનસપુત્ર મનુએ આની સ્થાપના કરી હતી. ભગવાન વિષ્ણુના સૂચનથી થી સ્વયમ્ દેવશિલ્પી વિશ્વકર્માની દેખરેખમાં અયોધ્યાનું નિર્માણ થયાનું કહેવાય છે. સ્કંદપુરાણમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર પર વસેલી છે. અયોધ્યાને પહેલી વાર વૈવસ્વત (ભગવાન સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુએ વસાવ્યું હોવાનું પણ કહેવાય છે. વૈવસ્વત મનુ લગભગ ૬૬૭૩ ઈસવીસન પૂર્વે થયા હતા. વૈવસ્વત મનુના દસ પુત્ર હતા, તેમાં જ્યેષ્ઠ પુત્ર ઇક્ષ્વાકુના કુળનો સૌથી વધુ વિસ્તાર થયો હતો. ઇક્ષ્વાકુએ અયોધ્યાને પાટનગર બનાવીને ભારતના મોટા ભાગના વિસ્તાર પર રાજ કર્યું હતું. ઇક્ષ્વાકુના 3 પુત્ર હતા- કુક્ષિ, નિમિ અને દંડક. કુક્ષિ કુળમાં ભરત પછી સગર, ભગીરથ, કકુસ્ત્ય, રઘુ, અમ્બરીષ, યયાતિ, નાભાગ, દશરથ અને શ્રી રામ અવતર્યા. આ સૌએ અયોધ્યા પર રાજ કર્યું. પહેલાં અયોધ્યા ભારતવર્ષનું પાટનગર હતું, પછીથી હસ્તિનાપુર બન્યું હતું. એક વાત એવી પણ છે કે સગરના સાઈઠ હજાર પુત્ર કે સૈનિક કપિલ મુનિના શ્રાપને કારણે ભસ્મ થઈ ગયા હતા અને પછી ભગીરથ પોતાના પૂર્વજોના ઉધ્ધાર માટે મા ગંગાને રીઝવીને પૃથ્વી પર લાવ્યા હતા. આ રીતે સૂર્યવંશી ઇક્ષ્વાકુની પેઢીમાં અનેક યશસ્વી રાજા થયા. ભગીરથના પૌત્ર રઘુ મહાન તેજસ્વી અને પરાક્રમી હતી. એ જ કારણે તેમના વંશનું નામ રઘુવંશ કે રઘુકુળ પડ્યું. “રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાઈ પર વચન ન જાઈ”.
ભાગ-૨
- દેવતાઓની આ નગરીએ સુખની સાથે 'કરુણ દુ:ખ પણ જોયાં, દેવતાઓની નગરી અયોધ્યાએ બળ, પ્રતાપ, બલિદાન જોયાં છે તો સામે દુઃખના ડુંગરા પણ ખમ્યા છે. ઋષિતુલ્ય રાજા માંધાતાનું સામ્રાજ્ય જોયું છે તો રાજા હરિશ્ચન્દ્રનું સત્યવાદીપણું અને વચનને ખાતર રજવાડાંનો ત્યાગ, અરે એટલે સુધી કે મરી ફિટવા સુધીનું બલિદાન પણ જોયું છે. દોડતા રથના તૂટી ગયેલાં પૈડાંને પોતાની આંગળીથી ટકાવી રાખનારાં કૈકેયીનો ત્યાગ જોયો છે તો રામને વનવાસ મોકલવાની કૈકેયીએ કરેલી હઠની સાક્ષી પણ બની છે... અયોધ્યાની સરખામણી જો સ્વર્ગનાં સુખો સાથે કરાઈ છે તો પીડાઓ પણ પારાવાર સહી છે. પુત્રવિયોગમાં રાજા દશરથનો દેહત્યાગ હોય કે ભરતનું રાજપાટ છોડીને પાદુકાપૂજન હોય, બધું જ, આજે પણ અયોધ્યાની આંખમાં ડોકાઈ રહ્યું છે. લક્ષ્મણની ૧૪ વર્ષની સેવા હોય કે ઉર્મિલાનો એટલાં જ વર્ષોનો વિયોગ, એ સર્વ કાળજું કંપાવી મૂકતી પળો. ત્રેતાયુગથી કળિયુગ સુધીની યાત્રાની અગણિત કથા- ગાથા આ નગરીની છાતીમાં ધરબાયેલી છે. એ કથાઓ, પ્રસંગોને એક પછી એક બહાર કાઢવા એટલે પોતાનાં જ દુ:ખોને સોયથી ખોતરવા જેવું છે... અયોધ્યાના રાજા દશરથ મહા પરાક્રમી હતા. ઘણા સમય પછી રાજા દશરથને ત્યાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, એમ ચારેય પુત્રે જન્મ લીધો. જન્મોત્સવનો આનંદ- ઉલ્લાસમાં મહિનાઓ સુધી અયોધ્યાએ હોંશીલાં અને બાળગીતો ગાયાં હતાં.
- ચારેય ભાઈનાં શિક્ષા-દીક્ષાનું કામ મહર્ષિ વશિષ્ઠે ઉપાડયું હતું. એ સમયમાં મિશિલા નરેશ રાજા જનકને ત્યાં સ્વયંવરમાં રામે શિવજીનું ધનુષ તોડ્યું અને સીતા સાથે લગ્ન થયાં. લગ્ન પછી રામનું રાજતિલક થવામાં જ હતું ત્યાં માતા કૈકેયીની જીદને કારણે અયોધ્યાની ગાદી કૈકેયી પુત્ર ભરતને સોંપાઈ. અને રામને ૧૪ વર્ષના વનવાસનો આદેશ થયો. ત્યાર પછી આવે છે, વનવાસનો પ્રસંગ. રામનું વનમાં જવું આજના સંદર્ભમાં પણ અનેક બોધપાઠ આપે છે. ભાઈઓનો પ્રેમ જુઓ કે જે માએ ભરત માટે રાજ માગ્યું, મોટા ભાઈના પ્રેમમાં એ જ ભરતે સિંહાસનનો ત્યાગ કર્યો અને ત્યાં રામની પાદુકા મૂકીને પ્રજા માટે ન્યાયપ્રિય શાસન કર્યું. આ 14 વર્ષમાં એક વાર પણ ભરતે પોતાને રાજા ગણાવ્યા નહોતા પરંતુ પ્રભુ રામના સેવક થઈને રહ્યા હતા. જાતપાત વિશે આજે પણ આપણે લડી રહ્યા છીએ પરંતુ દાયકાઓ પહેલાં રામે સૌને એકસમાન ગણ્યા હતા. નિષાદને ગળે મળ્યા.
ભાગ-૩
- કેવટ સમક્ષ વનમાં જવાનો સમય આવ્યો ત્યારે સીતાજી અને લઘુબંધુ લક્ષ્મણે પણ પ્રભુ શ્રીરામની સાથે જવાનો નિર્ણય કર્યો. વન જતી વેળાએ જ્યારે ગંગા નદી પાર કરવાની હતી ત્યારે કેટવ અને રામનો સંવાદ વાંચીને કે સાંભળીને હૈયું ગદગદ થઈ જાય છે. કેવટ પ્રભુ શ્રીરામને પાર ઉતારવા માટે ના પાડતાં કહે છે, “મોરી છોટી સી નાવ, તોરે જાદૂ ભરે પાંવ, મોહે ડર લાગે રામ, કૈસે બિઠાઉ તોહે નાવ મેં” અર્થાત્- અહલ્યાનો પ્રસંગ કેવટ જાણતો હતો. તે કહે છે, હું આપનાં ચરણોનો જાદુ જાણું છું. પથ્થરને સ્ત્રીમાં પરિવર્તિત કરનારાં ચરણ મારી હોડીને પથ્થર બનાવી દેશે તો રોજી-રોટીનું શું થશે? એ સમયનો સૌહાર્દ જુઓ, વિનમ્રતા જુઓ કે ચક્રવર્તી સમ્રાટનો જ્યેષ્ઠ પુત્ર, રોજનું રળી ખાનારા એક સામાન્ય કેવટને વિનય- વિવેક કરે છે. છેવટે કેવટ માની જાય છે. નદી પાર કર્યા પછી જ્યારે તેઓ કેવટને કશુંક આપવા ઇચ્છે છે પરંતુ તેમની પાસે કશું જ નથી હોતું. પત્નીની ચતુરાઈ જુઓ, મનના ભાવ સમજીને માતા સીતાએ કેવટને આપવા માટે પોતાની વીંટી કાઢીને શ્રીરામને આપી- પિય હિય કી સિય જાનનિ હારી, મનિ મૂદરિ મન મુદિત ઉતારી- વીંટીની ભેટ જોતાં જ કેવટ પ્રભુનાં ચરણે પડી ગયો અને બોલ્યો- “નાઈસે ન નાઈ લેત, ધોબી સે ન લેત ધોબી દેકે મજૂરી નાથ જાત ન બિગાડિયો, પ્રભુ આયે મોરે દ્વાર, પાર માં ઉતાર દીન્દોં જબ આઉ તોરે ઘાટ, પાર મોહે ઉતારિયો.”
- કેવટના કહેવાનો અર્થ હતો, ‘હું તો માત્ર એક નદી પાર કરાવું છું. પ્રભુ! આપ તો ભવસાગર. પાર કરાવો છે. તમારા દ્વારે આવું ત્યારે મારી નાવડી પણ પાર કરાવી દેજો.’ આ પ્રસંગ વચ્ચે પ્રભુ શ્રીરામના વિરહમાં અયોધ્યા તડપતી હતી. ભરતનાં અશ્રુ કેમે કરીને રોકાતાં નહોતાં. પ્રજા. મોટા પહાડ જેવું દુઃખ સહન કરી રહી હતી. ત્યાર પછી તેઓ પર્ણકુટી, એ સુવર્ણ મૃગરૂપી મારીચનું છળ, પછી શુર્પણખાનો અહંકાર, રાવણનું સાધુ વેશમાં સીતાજીનું હરણ કરવું અને હનુમાનજીનું લંકાદહન કરવું, એ સૌ વિકટ પરિસ્થિતિઓ આવી. સમુદ્ર પર બંધ બાંધવાનો સમય આવ્યો ત્યારે સમુદ્ર દેવે ત્રણ દિવસ સુધી વિનંતિ ન સાંભળી. ત્યારે શ્રીરામે નમ્રતાનો ત્યાગ કર્યો. તેમણે ધનુષ હાથમાં લીધું. આ પ્રસંગ વિશે ગોસ્વામી તુલસીદાસે લખ્યું- “વિનય ન માનત જલધિ જડ, ગયે તીન દિન બીત બોલે રામ સકોપ તબ, ભય બિનુ હોય ન પ્રીત”
- સમુદ્ર દેવ પ્રકટ થયા. તેમણે વિધિ જણાવી. નલ-નીલે બંધ માટેના પથ્થર દરિયામાં ફેંક્યા અને પ્રભુ શ્રીરામ વાનરસેના સહિત લંકાની ધરતી પર પહોંચી ગયા. ત્યાં વિભીષણનો ભેટો થયો. રાવણે વિભીષણનાં કહેણ અવગણ્યા અને લંકામાંથી દેશવટો દીધો ત્યારે વિભીષણ રામના પક્ષમાં આવ્યા. પ્રકાંડ પંડિત અને વિદ્વાન હોવા છતાં રાવણને ચોક્કસપણે પોતાનો કાળ દેખાઈ રહ્યો હતો.
ભાગ-૪
- દાયકાઓથી તારયચઢાએ જાયચ કનુ મહારાજા રઘુ, રાજા દશરથ અને સ્વયમ્ પ્રભુ શ્રીરામે પણ જોયા હતા. ને પછી અહીં પ્રભુ શ્રીરામના મંદિર માટે શરૂ થયેલા અથાક સંઘર્ષને પણ જોયો હતો. અયોધ્યામાં રામજન્મભૂમિનું આંદોલન લગભગ સાડા ચારસો વર્ષ સુધી ચાલ્યું. ક્યારેક સંતો અને ધર્મગુરુઓએ તેનું સુકાન સંભાળ્યું તો ક્યારેક રાજકીય પક્ષો અને તેના નેતાઓએ આગેવાની લીધી. આ એકમાત્ર આંદોલનને કારણે તો કેટલીય સરકારો ગંજીફાનાં પાનાંની જેમ ફસડાઈ પણ ખરી અને જુદા જ પ્રકારના વંટોળની જેમ આવી અને રચાઈ પણ ખરી. કહેવાય છે કે બાબરના સેનાપતિ મીર બાકીએ વર્ષ 1526 થી 1528 દરમિયાન રામમંદિર તોડીને એ જ કાટમાળમાંથી બાબરી મસ્જિદ બનાવી હતી. આમ છતાં વર્ષો સુધી તે કયારેક 'સીતા રસોઈ મસ્જિદ’ કે ‘જન્મસ્થાન મસ્જિદ' તરીકે જ ઓળખાતી હતી.
- વર્ષ ૧૫૨૮ થી ૧૭૩ સુધી આ ઇમારત પર કબજો જમાવવા માટે બંને સમાજ વચ્ચે લગભગ ૬૪ વાર સંઘર્ષ થયો. 1852માં અવધના નવાબ વાજિદ અલી શાહે પહેલી વાર સરકારને આ મુદ્દે બંને સમાજ વચ્ચે થયેલી મારામારીનો અહેવાલ મોકલ્યો. અયોધ્યાની ભડભડ બળતી આગ એક તાળાની પાછળ ધરબાયેલી હશે, એ કોને ખબર હતી! એ આગે પહેલાં અયોધ્યાને પોતાની ઝાળ લગાડી પછી એ દાવાનળ બનીને સમગ્ર દેશમાં ફેલાઈ.
- વર્ષ ૧૯૫૧ પછી ૧૯૮૬માં બાબરીનું તાળું ખોલવાનો બીજો આદેશ આવ્યો ત્યાં સુધી 'ધર્મ નિરપેક્ષતા' શબ્દ હિન્દુઓ માટે એક પ્રકારની ચીડ બની ગયો હતો. એક રીતે મુસ્લિમ તુષ્ટીકરણનો પર્યાય પણ બન્યો હતો. શાહબાનો પ્રકરણ વિશે ઉશ્કેરાયેલી મુસ્લિમ લૉબીના દબાણમાં કેન્દ્ર સરકારે ઉતાવળે સુપ્રીમકોર્ટના ચુકાદાને ફેરવી નાખ્યો તો એ ઉગ્રતા ચરમસીમાએ પહોંચી. સરકાર એટલી હદે તુષ્ટીકરણથી ટેવાઈ ગઈ હતી કે શાહબાનો પ્રકરણના ચુકાદાથી નિરાશ થયેલા હિન્દુઓને રાજી રાખવા માટે તેઓને ૧ ફેબ્રુઆરી, ૧૯૮૬ એ બાબરી પર મારેલું તાળું ખોલવું પડ્યું.
- ઉતાવળ તો એવી કરી કે ફૈઝાબાદની અદાલતે સાંજે ૪.૪૦ વાગ્યે આદેશ કર્યો અને માત્ર ચાલીસ મિનિટમાં એટલે કે ૫.૨૦ વાગ્યે તાળાં ખોલી નખાયાં હતાં. શાહબાનો પ્રકરણમાં સફળતાનો સ્વાદ ચાખી ગયેલી મુસ્લિમ લૉબીએ ફૈઝાબાદની અદાલતના ચુકાદા સામે જ વિરોધ નોંધાવ્યો. ઉગ્રતાનો વેગ એટલો ભયાનક હતો કે અદાલતી ચુકાદાનો વિરોધ કરતાં કરતાં એ લોકો પ્રજાસત્તાક દિવસનો બહિષ્કાર કરવા સુધી પહોંચી ગયા હતા.
ભાગ-૫
- રામ અને રામમંદિર આંદોલનને જનસમર્થન તો મળી રહ્યું હતું પરંતુ ભલે મોડેમોડે પણ બે ઘટના ઘટી અને એ બે ઘટનાએ રામમંદિરના આંદોલનને ઘેરઘેર સુધી પહોંચાડયું. રામાનંદ સાગરની રામાયણ સિરિયલે રામને અને શિલાપૂજને રામમંદિરના આંદોલનને ગામડાંઓ સુધી પહોંચાડયું. વરિષ્ઠ પત્રકાર અને લેખક હેમંત શર્માના પુસ્તક 'યુદ્ધમાં અયોધ્યા’માં રામને સુપેરે વ્યાખ્યાઇત કરાયા છે. તેમણે લખ્યું છે કે લોકસંસ્કૃતિમાં રામ ક્યારેય એકલા રહ્યા નથી. સીતાજી તેમની સાથે ને સાથે હતાં. લક્ષ્મણ અને હનુમાનજી પણ સાથે જ હતા. આ અંગેની એક ચોપાઇ છે ‘સિયા રામ મય સબ જગ જાની... કરહું પ્રમાણ જોરિ જુગ પાની ।'।
- પરંતુ મંદિર આંદોલનમાં રામ એકલા હતા. તેમની સાથે સીતા નહોતાં. સિયા-રામ લોકોના રામ છે. જય શ્રીરામ, મંદિર આંદોલનના મહંતો અને મઠાધીશોના રામ છે. મંદિર આંદોલનમાં માત્ર જય શ્રીરામનાં સૂત્રો પોકારાયાં. રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ' ટીવી પર પ્રસારિત થઈ ત્યારે જય શ્રીરામનો આ ઉદ્ઘોષ પહેલી વાર એકેએક વ્યક્તિ સુધી પહોંચ્યો. એટલે જન્મભૂમિ આંદોલન ઉપર રામાયણ સિરિયલની પણ અસર પડી તેમ કહી શકાય.
- જોકે મોટા ભાગનાં હિંદુ ઘરોનાં બાળકોને, ખાસ કરીને ગામડાંમાં ત્યારે ત્રીજા-ચોથા ધોરણથી જ રામાયણ વંચાવવાની પ્રથા હતી. પરંતુ એ સમયે બાળકો આ પ્રથાને ઔપચારિકતા જ ગણતાં હતાં. રામને સમજવાનો ભાવ તેમનામાં ઓછો જ હતો. એ ઉમંરમાં આ ભાવ આવી પણ ન શકે. દૂર બેઠેલા કે આડા પડેલા દાદાજી મટકું મારે ત્યાં જ બાળકોના ૫ દોહા પૂરા થઈ જતા હતા.
Comments (0)