અયોધ્યા : ભાગ - ૫ થી ૧૦

અયોધ્યા : રામજન્મભૂમિની સ્થાપનાની અત્યાર સુધીની ગાથા (ભાગ- ૬ થી ૧૦)

 ભાગ-૬

  • વિવાદિત પરિસરમાં મંદિરના નિર્માણની માંગ પ્રથમવાર. ૧૫ જાન્યુઆરી, ૧૮૮૫ના રોજ કોર્ટમાં પહોંચી હતી. મહંત રઘુવર દાસે પહેલો કેસ ફાઇલ કરીને રામ ચબૂતરા પર એક મંડર બનાવવાની અનુમતિ માંગી, જે તેમને ન મળી. સંયોગથી એ જ વર્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઇ. મહંત રઘુવર દાસની અપીલના અંદાજે ૮૦ વર્ષ બાદ ૨૯ ઓગસ્ટ, ૧૯૬૪ માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ. આ બેઠકમાં સંઘપ્રમુખ માધવ સદાશિવ ગોલવલકર, ગુજરાતી સાહિત્યકાર કહૈયાલાલ માણેકલાલ મુનશી, સંત તુકોજી મહારાજ અને અકાલી દળના માસ્ટર તારાસિંહ ઉપસ્થિત હતા. વિહિંપે અત્યાર સુધી મંદિરના આંદોલનમાં વધુ સક્રિયતા દાખવી ન હતી. આ જ કારણ હતું કે ઑલ ઇન્ડિયા લેવલ પર બીજા જૂથ જૂથ તરફથી તરફથી પણ કોઇ સક્રિયતા ન હતી. પરંતુ ૦૧ ફેબ્રુઆરી, ૧૯૮૬ ના રોજ બાબરીનું તાળું ખૂલતાં જ 6 ફેબ્રુઆરીએ લખનઉની એક બેઠકમાં બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરાઈ.
  • મૌલાના મુઝફ્ફર હુસેન કિછૌછવીને અધ્યક્ષ, મોહમ્મદ આઝમ ખાં અને ઝફરયાબ જિલાનીને સંયોજક બનાવાયા. બે- અઢી વર્ષ આ જ રીતે કોર્ટમાં પસાર થયા. પછી ૧ એપ્રિલ, ૧૯૮૯ ના વિહિંપ દ્વારા બોલાવાયેલી ધર્મસંસદમાં રામમંદિરના શિલાન્યાસની જાહેરાત કરાઈ હતી. ૩૦ સપ્ટેમ્બર નક્કી થઈ હતી. મે મહિના સુધી વિહિંપે રામમંદિર નિર્માણ માટે ૨૫ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી. વિહિંપ પ્રમુખ અશોક સિંઘલે યોજના આગળ ધપાવી. શિલાન્યાસની જાહેરાતને માત્ર બે જ મહિના થયા હતા ત્યાં જ જૂન ૧૯૮૯ માં મંદિર આંદોલનને ભાજપે પોતાના એજન્ડામાં લીધું. હિમાચલના પાલમપુરમાં ભાજપ કાર્યકારિણીએ પ્રસ્તાવ પાસ કરીને અયોધ્યામાં મંદિર નિર્માણનો સંકલ્પ તો લીધો જ સાથે એ વાત પર ભાર મુકાયો કે આ વિવાદનો ઉકેલ કોઈ કોર્ટ ન કરી શકે કારણ કે આ જમીનનો નહીં પરંતુ આસ્થાનો સવાલ છે. જોકે, નવી દિલ્હીમાં મહંત અવૈધનાથના નેતૃત્વમાં મંદિર નિર્માણ માટે હિન્દુ જૂથોએ રામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિ ૧૯૮૪માં જ બનાવી લીધી હતી. પરંતુ આ સમિતિ વિહિંપ જેટલી ઉગ્ર ન હતી. દરમિયાન જુલાઇ ૧૯૮૮ થી નવેમ્બર ૧૯૮૯ સુધી તત્કાલીન ગૃહમંત્રી બુટાસિંહ જન્મભૂમિ વિવાદને લઇને અલગ અલગ પક્ષો સાથે વાતચીત કરી રહ્યા હતા.

 ભાગ-૭

  • વર્ષ ૧૯૮૮ ની વસંત ઋતુ હતી પરંતુ કેન્દ્ર માટે હતી. સ્વીડન રેડિયોએ બોફોર્સ તોપ ખરીદીમાં રાજીવ ગાંધીએ લાંચ લીધાનો આરોપ લગાવ્યો હતો અને સ્વયં ગાંધીના ખૂબ જ નજીકના અને તેમના જ મંત્રીમંડળના નાણામંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહે આ મુદ્દો ખૂબ જ ઉછાળ્યો હતો. અખબારોમાં ‘બોફોર્સની તોપોમાં રુશવતના ગોળા' જેવાં શીર્ષકો છાપ્યાં. જૂન, ૧૯૮૮ માં આ જ વાતાવરણમાં સરકારથી છેડો ફાડનારા વીપી સિંહે ઇલાહાબાદની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવી. સ્વતંત્ર ભારતની સૌથી શક્તિશાળી ૪૧૫ સાંસદવાળી સરકાર અસ્થિરતા ભણી ઢળવા લાગી.
  • તે જ સમયે તેમના અંગત ગણાતા લોકોને તેમને એક દિવ્ય અનુભૂતિ કરાવી. દેશમાં બહુમતી ધરાવતા હિન્દુઓની લાગણીને ધ્યાનમાં રાખીને જન્મભૂમિ પર મંદિરનો શિલાન્યાસ કરાવવાની રાજીવ ગાંધીને સલાહ આપવામાં આવી. માર્ચ, ૧૯૮૯માં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી. શિલાન્યાસમાં દેવરહા બાબાની મહત્ત્વની ભૂમિકા હતી. તેઓ અલૌકિક પુરુષ હતા. તેમની ઉંમર વિશે કોઈને કોઈ જ અંદાજ નહોતો. તેઓ ધરતી પર નહીં. હંમેશાં ૧૨ ફૂટ ઊંચી મચાન પર જ રહેતા. નજીકના લોકોએ આપેલી સલાહ પછી દેવરહા બાબાને મળવા રાજીવ ગાંધી ૬ નવેમ્બરે વૃંદાવન ગયા. શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે પણ કોઈ સમસ્યામાં ફસાતાં ત્યારે સમાધાન માટે આ જ બાબાની શરણ લેતાં. બાબાએ રાજીવ ગાંધીને કહ્યું, મંદિર બનાવવું જોઈએ. તમે શિલાન્યાસ કરાવો. જોકે શિલાન્યાસની જગ્યા બદલાવી ન જોઈએ. એ જ પળે શિલાન્યાસ થઈને જ રહેશે, તે નક્કી થઈ ગયું હતું. પરમહંસ રામચન્દ્ર દાસના નેતૃત્વમાં ધર્મસંસદ પહેલાં જ શિલાન્યસની તારીખ ૯ નવેમ્બર નક્કી થઈ ગઈ હતી. ભાજપ એ સમયે માત્ર ૨ સાંસદ ધરાવતો પક્ષ હતો. તેની માટે આ સુવર્ણ તક હતી. રાજીવ ગાંધી શિલાન્યાસ કરાવીને ચૂંટણીની વૈતરણી પાર કરાવવા ઇચ્છતા હતા. માર્ચને બદલે ચૂંટણીની તારીખ પણ નવેમ્બરમાં જ નક્કી કરાઈ.

 ભાગ-૮

  • એક બાજુ શિલાયાત્રાઓ શરૂ થઈ ગઈ Uહતી જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર શિલાન્યાસ આડેની તમામ અડચણો દૂર કરવામાં જોતરાઈ હતી પરંતુ ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી નારાયણ દત્ત (એન.ડી.) તિવારી શિલાન્યાસ માટે તૈયાર નહોતા. કટોકટી કાળમાં સંજય ગાંધીની ખુશામત કરનારા નારાયણ દત્ત તિવારી અત્યારે રાજીવ ગાંધીનો શિલાન્યાસ પ્રસ્તાવ માનવા તૈયાર નહોતા. વડાપ્રધાને તિવારીને મનાવવા માટે 8 નવેમ્બરે ગૃહમંત્રી બુટાસિંહને લખનઉ મોકલ્યા. આ તરફ બાબરી એક્શન કમિટીના લોકો શિલાન્યાસની જમીનને વિવાદાસ્પદ ગણાવી રહ્યા હતા. કહેવાઈ રહ્યું હતું કે એ જમીન કબ્રસ્તાનની છે. દેવરહા બાબાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં શિલાન્યાસનું સ્થળ બદલાવું ન જોઈએ. ચૂંટણીની જાહેરાત પહેલાં જ થઈ ગઈ હતી. શિલાન્યાસ કાર્યક્રમથી પ્રોત્સાહિત થઈ વડાપ્રધાને માર્ચમાં યોજાનારી ચૂંટણી નવેમ્બરના અંતમાં જ નિર્ધારિત કરાવાઈ હતી. તિવારીને જીદ કરવા માટે હવે કોઈ કારણ બચ્યું નહોતું. અંતે સરકારે જાહેરનામું બહાર પાડયું અને ફૈઝાબાદના જિલ્લા અધિકારી શિલાન્યાસવાળી જમીનને બિનવિવાદાસ્પદ જાહેર કરશે. છેવટે 10 નવેમ્બરે 1 વાગી ને 40 મિનિટે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં શિલાન્યાસ વિધિ સંપન્ન થયો.
  • બિહારના કામેશ્વર ચૌપાલના હાથે પ્રથમ શિલા મૂકવામાં આવી. આ પ્રથમ શિલા 56 યજ્ઞની ભસ્મમાંથી બનાવાઈ હતી. ગુરુગ્રંથ સાહિબની અરદાસ, જૈન-બૌદ્ધ પ્રાર્થનાઓ અને ‘મંદિર યહીં બનાયેંગે’ના ઉદ્ઘોષ સાથે પાયામાં અષ્ટધાતુથી બનેલા સર્પ પધરાવાયો હતો. પહેલી શિલા મૂક્યા પછી મહંત રામચન્દ્ર પરમહંસે દિગંબર અખાડામાં પૂજાયેલી 5 શિલા પાયામાં પધરાવી હતી. એ દિવસની પૂજાના યજમાન શ્રીશ ચન્દ્ર દીક્ષિત અને બદ્રીપ્રસાદ તોશનીવાલ હતા. બાબરી સમિતિએ આ શિલાન્યાસને સરકારની છેતરપિંડી ગણાવી હતી. આ અંગે કેટલાંક વિરોધ પ્રદર્શનો પણ થયાં. રેલીઓ યોજાઈ. ધરપકડો થઈ. પછીથી ઉલેમાઓ અને બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિના નેતાઓએ કહ્યું કે મસ્જિદ સુરક્ષિત છે અને શિલાન્યાસ કબ્રસ્તાન પર થયો છે. આથી કુર્બાનીની જરૂર નથી. વાતાવરણ શાંત થતાં અને શિલાન્યાસનો રાજકીય લાભ લેવા માટે રાજીવ ગાંધીએ ચૂંટણીપ્રચારની પ્રથમ સભા અયોધ્યામાં જ યોજી.

 ભાગ-૯

  • અયોધ્યામાં થયેલી મંદિરની શિલાન્યાસ વિધિએ દિલ્હીનો તખતો પલટી નાખ્યો. રાજકારણની દિશા અને દશા બદલી નાખવાની અયોધ્યાની એ તાકાત હતી. શિલાન્યાસની સાથે અડીખમ રહેલો ભાજપ 2 બેઠકમાંથી ૮૫ બેઠક સુધી વિસ્તરી ગયો જ્યારે ભ્રષ્ટાચારવિરોધી છબિને કારણે શિલાન્યાસના વિરોધ છતાં વિશ્વનાથ પ્રતાપ સિંહ દેશના વડાપ્રધાન બની ગયા. તેમનો જનતા દળ પક્ષ ૧૪૩ બેઠક જીતીને ભાજપ તથા અન્ય પક્ષોના સમર્થનથી સત્તા પર આરૂઢ થઈ ગયો. અશક્ય શિલાન્યાસને શક્ય બનાવવાના પ્રયાસો છતાં ગત ચૂંટણીમાં ૪૧૫ બેઠક મેળવીને ઇતિહાસ રચનારા રાજીવ ગાંધીની કૉંગ્રેસ માત્ર ૧૯૭ બેઠક પર જીત મેળવી શકી અને સત્તામાંથી ફેંકાઈ ગઈ. આમ એકંદરે રાજીવ ગાંધી પૅવેલિયનમાંથી શિલાન્યાસની રમત રમી રહ્યા હતા અને વિકેટ પર ઊભેલા ભાજપે સમગ્ર શ્રેય મેળવી લીધો. પછીથી નરસિંહરાવે પણ છાનેખૂણે રહેલા હિન્દુત્વના આશરે અયોધ્યાની ડીલ કરી, પરંતુ અયોધ્યાની આંધીમાં જે સંતાયેલા રહ્યા એ ખોવાઈ ગયા અને જે સાથે હતા તે સશક્ત થઈને બહાર આવ્યા. તે સમયે શિલાન્યાસના પાયામાં રામમંદિર ભલે ન બન્યું પરંતુ દેશમાં હિન્દુવાદી રાજકારણનો ભવ્ય મહેલ ચોક્કસપણે ઊભો થઈ ગયો.
  • ત્યાર પછી કારસેવાનું વર્ષ આવ્યું. ખરું જોતાં, ૧૯૯૦માં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર ભાજપના ટેકે જ ટકી રહી હતી. આથી અયોધ્યાનો ઉકેલ લાવવાની શક્યતાઓ વધુ દેખાવા લાગી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અયોધ્યા મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે જેટલું અંતર હતું, તેનાથી અનેકગણું અંતર વડાપ્રધાન વી. પી. સિંહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ વચ્ચે હતું. વી. પી. સિંહ ભાજપના દબાણવશ સાધુસંતોને બોલાવીને અયોધ્યામાં બેઠકો યોજતા હતા અને બીજી બાજુ આ બેઠકો પોતાની અને પોતાની સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે ભરાતી હોવાનું મુલાયમ સમજતા હતા.
  • વી.પી. સિંહ કોઈ પણ સંજોગોમાં ભાજપ સાથે ટક્કર લેવાના મૂડમાં નહોતા. જોકે તેમનો રસ્તો કરવાની ગણતરીએ મુલાયમસિંહ બાબરી સમર્થકોના જૂથમાં પહોંચી ગયા. તેમણે બાબરી એક્શન કમિટીના 3 સંયોજક પૈકીના આઝમ ખાનને પોતાની સરકારમાં મંત્રી બનાવી દીધા. બીજા સંયોજક શફીક-ઉર- રહેમાનને પોતાના પક્ષના સાંસદ બનાવી દીધા અને ત્રીજા ઝફરયાબ જિલાનીને કાયદાકીય સલાહ માટે પોતાની સાથે રાખ્યા. કહેવાય છે કે વી. પી. સિંહ વિરુદ્ધના આ શીતયુદ્ધમાં મુલાયમને ચન્દ્રશેખરનું પીઠબળ મળ્યું હતું. દેવીંલાલ અને વી.પી. સિંહના ગુપ્ત એજન્ડાને કારણે વડાપ્રધાનની રેસમાં પાછળ રહી જતાં ચન્દ્રશેખર મુલાયમની પીઠ પાછળ રહ્યા હતા. આખરે મુલાયમના બાબરી સમર્થક સ્ટૅન્ડને કારણે ઉત્તરપ્રદેશનું જ્ઞાતિવાદી ધ્રુવીકરણ થતું ગયું. સમાજ મંદિર અને મસ્જિદમાં વહેંચાતો ગયો. પરિસ્થિતિ કથળતી ગઈ. કેન્દ્ર-રાજ્યમાં અવિશ્વાસ અને સંવેદનહીનતા એ હદે વધતાં ગયા કે એક વાર કેન્દ્ર સરકાર અયોધ્યાની વિવાદાસ્પદ જમીનના સંપાદન માટે જાહેરનામું લાવી તો મુલાયમસિંહ તેને લાગુ ન કરવા માટે મક્કમ રહ્યા હતા.

 ભાગ-૧૦

  • ૨૮-૨૮ જાન્યુઆરી, ૧૯૯૦ અલ્લાહાબાદમાં સંગમ કિનારે વિહિંપ સમર્થક સાધુ-સંતોનું સંમેલન ભરાયું અને તે સંમેલનમાં ૧૪ ફેબ્રુઆરીથી અયોધ્યામાં કારસેવાની જાહેરાત કરી દેવાઈ. દરમિયાન વડાપ્રધાન વી. પી. સિંહ સતર્ક થયા. તેમણે ૭ ફેબ્રુઆરીએ વિહિંપના નેતાઓ અને સંતોની બેઠક બોલાવી. બેઠકમાં મહંત અવૈદ્યનાથ, મહંત નૃત્યગોપાલ દાસ, અશોક સિંઘલ અને અન્યો ઉપસ્થિત રહ્યા. એ સૌ કારસેવા યોજવાના પોતે લીધેલા નિર્ણય પર અડગ હતા. પછીથી મહંત રામચન્દ્ર પરમહંસના કહેવાથી કારસેવા ૪ મહિના પૂરતી ટાળવા માટે તૈયાર થયા. દરમિયાન સમાધાનના પ્રયાસો પણ થયા. આંધ્રના તત્કાલીન રાજ્યપાલ - કૃષ્ણકાન્ત અને બિહારના રાજ્યપાલ યુનુસ સલીમ સામે આવ્યા. તેમણે કાંચીપુરમૂના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી અને મુસ્લિમ સ્કૉલર અલી મિયાં સાથે વાત કરી. વિવિધ સમિતિઓ રચવાની વાતો પણ થઈ પરંતુ એથી વધુ કાંઈ ન થયું. સંતોએ જે ૪ મહિનાનો સમય વડાપ્રધાનને આપ્યો હતો, એ વીતી ગયો. સર્વસામાન્ય સમજૂતી માટે વાટાઘાટો ચાલી રહી હતી ત્યાં જ ૨૫ ડિસેમ્બરે ભાજપના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની યાત્રા શરૂ કરી. ગલગોટાનાં ફૂલોથી સજ્જ રથ પર બેસીને અડવાણીએ કહ્યું કે આ કારસેવામાં ભાજપના તમામ સાંસદ અને ધારાસભ્યો ભાગ લેશે. કારસેવામાં દેશના મુસ્લિમો પણ ભાગ લે, તેવી ઇચ્છા પણ તેમણે વ્યક્ત કરી. એ યાત્રા ૩૦ ઓક્ટોબરે અયોધ્યામાં સંપન્ન થવાની હતી.
  • આમ તો આ યાત્રાના સંયોજક પ્રમોદ મહાજન હતા, પરંતુ ગુજરાતમાં તેની રણનીતિ નરેન્દ્ર મોદીએ તૈયાર કરી હતી. એ સમયે તેઓ ગુજરાત, ભાજપના સંગઠન મહામંત્રી હતા. આ યાત્રાને મોદીએ નવી ઓળખ આપી. રાષ્ટ્રીય રાજકારણમાં મોદીના ઉદયનો શ્રેય અયોધ્યાને આપી શકાય. એ સમયે મોદીએ જ રથયાત્રાની સંપૂર્ણ રૂપરેખા દેશ સામે રજૂ કરી હતી. આ જ કારણે મુરલી મનોહર જોશીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રાના સારથિ પણ મોદીને જ બનાવાયા હતા. એક દિવસમાં રથ પરથી વીસ સભા યોજાતી. વાતાવરણ એ હદે બદલાયું કે લોકો ઠેકઠેકાણે રથની પૂજા કરતા. રથ પસાર થયો, ત્યાંની માટીથી લોકો તિલક પણ કરતા. રથની પ્રસિદ્ધિ જોઈને વી. પી. સિંહ ગભરાયા. તેમણે વિહિંપ અને મુસ્લિમ નેતાઓની બેઠક બોલાવી. તેમાં વિવાદાસ્પદ સ્થળની આસપાસની ત્રીસ ફૂટ જમીન છોડીને સરકાર બાકીના સમગ્ર વિસ્તારનું સંપાદન કરે અને પછી મંદિર બંધાવવાનું છે, એ ટ્રસ્ટને એ જમીન સોંપી દેવાનું નક્કી કરાયું.
  • થોડી બેઠકો પછી તત્કાલીન રેલવેમંત્રી જ્યૉર્જ ફર્નાન્ડિસ અને માહિતી પ્રસારણ મંત્રી ઉપેન્દ્ર અશોક સિંઘલને મળ્યા. તેમણે જમીન સંપાદનના જાહેરનામા વિશે જણાવ્યું પરંતુ જ્યાં સુધી સરકાર સમગ્ર જમીન હિન્દુઓને ન સોંપે ત્યાં સુધી કોઈ સમજૂતી ન કરવા સિંઘલ મક્કમ રહ્યા. આખરે સરકારે રાતોરાત જાહેરનામું બહાર પાડ્યું. અડવાણી સાથે પણ આ મુદ્દે વાત થઈ. તેઓ પણ જાહેરનામાના સમર્થન માટે તૈયાર થયા. બીજા દિવસે બપોરે એસ. ગુરુમૂર્તિએ વડાપ્રધાન સાથે વાત કરી ત્યાં સુધીમાં તેઓ સંપૂર્ણપણે બદલાઈ ગયા. તેમણે કહ્યું, સમગ્ર જમીન કોઈને સોંપી ન શકાય. આ અંગે સરકારે અધિકાર રહેવા જોઈએ,નું કહ્યું. વાસ્ત્વમાં, વી. પી. સિંહ પર એક તરફ મુસ્લિમ લૉબીનું દબાણ હતું તો બીજી તરફ મુલાયમસિંહ આ પ્રકારના તમામ જાહેરનામાનો વિરોધ કરવાનું રણશિંગું ફૂંક્યું હતું.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up