અયોધ્યા : રામજન્મભૂમિની સ્થાપનાની અત્યાર સુધીની ગાથા (ભાગ-૧૧ થી ૧૫)
ભાગ-૧૧
કારસેવાની યાત્રાઓ શરૂ થઈ ગઈ. એક બાજુ લાલકૃષ્ણ અડવાણીનો રથ ચાલી રહ્યો હતો અને બીજી તરફ ગામેગામથી લોકોનાં ટોળાં અયોધ્યા ભણી કૂચ કરી રહ્યાં હતાં. એમને ન ખાવાપીવાની ચિંતા હતી કે સૂવા-બેસવાની! ગામેગામ આ કારસેવકો માટે ભોજન અને રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે લોકો અયોધ્યા જઈ રહ્યા છે એ લોકો રામભક્ત હતા અને તેમની સેવાચાકરી કરનારા લોકો રામના કામમાં આવી રહ્યા હોવાનું કહેવાતું હતું. ૧૯૯૨નાં મસ્જિદ ધ્વંસને પણ મોટી કારસેવા ગણાઈ હતી. એક બાજુ આસ્થાનો મહાસાગર અયોધ્યા બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ આ મહાસાગરને રોકવા માટે પાળ બાંધી રહ્યા હતા. તેમણે અયોધ્યા આવતા માર્ગો પર ક્યાંક બેરિકેડ્સ મુકાવ્યા તો ક્યાંક રસ્તા જ ખોદી નખાવ્યા. અયોધ્યામાં પારેવડું ય પાંખ ફફડાવીને આવવું ન જોઈએ, તેવું ફરમાન છોડાયું હતું. આમ, ભાજપ, અડવાણી અને મંદિર આંદોલનના નેતાઓ સામે લડતાં લડતાં મુલાયમસિંહ ક્યારે સ્વયમ્પ્રભુ શ્રીરામ સામે જંગમાં ઊતરી પડ્યા એની સુધ્ધાં તેમને ખબર પણ ન રહી.
તેમણે અડવાણીનો રથ રોકવાનો નિર્ધાર કર્યો હતો અને એની જાણ વડાપ્રધાન વી.પી. સિંહને થઈ. વડાપ્રધાન બેવડી ચાલ ચાલ્યા. સમજૂતીની વાત કરતાં કરતાં તેમણે પોતાના પક્ષના સમર્થક ભાજપ સામે બાથ ભીડવાનો નિર્ધાર કર્યો. તેમણે જમીન સંપાદનનો વટહુકમ પાછો ખેંચી લીધો. જોકે તેનો શ્રેય મુલાયમસિંહે લઈ લીધો.
પહેલાં ઉત્તરપ્રદેશના દેવરિયામાં અડવાણીનો રથ રોકવાનો હતો. વરિષ્ઠ પત્રકાર હેમંત શર્મા 'યુદ્ધમાં અયોધ્યા' પુસ્તકમાં લખે છે કે રથ રોકીને મુલાયમ ધર્મનિરપેક્ષતાના એકમાત્ર રખેવાળ ન બની જાય, એ માટે વી. પી. સિંહને યાદવ સામે ઉતાર્યા. બિહારના મુખ્યમંત્રી લાલુ યાદવને કહીને મુલાયમની રથ રોકવાની યોજના નિષ્ફળ બનાવી દેવાઈ. વડાપ્રધાનના ઇશારે લાલુએ બિહારના સમસ્તીપુરમાં અડવાણીનો રથ રોક્યો અને તેમની ધરપકડ કરી લીધી. અડવાણી સામે ‘રાસુકા’ લગાવાયો. વાસ્તવમાં અડવાણીનો રથ પકડીને લાલુએ ભાજપનું નાક પકડી લીધું હતું. અને પછી વી.પી. સિંહ અને લાલુએ અડવાણીને નહીં પરંતુ સ્વયમ્ પ્રભુ શ્રીરામનો રથ રોક્યો હોવાનો પ્રચાર ભાજપે સુપેરે ફેલાવ્યો અને પુરવાર પણ કરી દીધું. અડવાણીને ‘મંસાન ઝોર' ડાક બંગલોમાં કેદ રખાયા. હવે અથડામણ નિશ્ચિત હતી. અયોધ્યા તરફ કૂચ કરી રહેલા કારસેવકોમાં રોષ હતો. મુલાયમે ઠેરઠેર કારસેવકોના જોશમાં અંગારા ચાંપ્યા.
ભાગ-૧૨
લાલકૃષ્ણ અડવાણીની ૨૩ ઓક્ટોબરે ધરપકડ કરાઈ અને એ જ દિવસે દિલ્હીમાં ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું. અટલજીએ રાષ્ટ્રપતિ આર. વેન્કટરમણને કહ્યું કે અમારા નેતાની ધરપકડ કરાઈ છે અને એટલે અમે સમર્થન પાછું ખેંચી રહ્યા છીએ. સમર્થનનો ટેકો ખસી જતાં સરકાર લઘુમતીમાં આવી ગઈ પરંતુ વી. પી. સિંહે બહુમતી પુરવાર કરવા માટે રાષ્ટ્રપતિ સમક્ષ ૭ નવેમ્બર સુધીનો સમય માંગ્યો. ૨૩ ઓક્ટોબરે જ વી. પી. સિંહે પ્રજાજોગ સંબોધન કરીને કહ્યું કે અમે ધર્મનિરપેક્ષતાની રક્ષા માટે શક્ય તે તમામ પ્રયાસ કર્યા. ભાવુક થઈને તેમણે કહ્યું કે સતત સુનાવણીથી સમાધાન સુધી પહોંચવા માટે દેશની પ્રજાને થોડોઅમથો સમય પણ ન આપી શકાય!?
'યુદ્ધમાં અયોધ્યા' પુસ્તક અનુસાર અયોધ્યા હવે વૉટબૅન્ક બની ગઈ હતી. આ એ તબક્કો હતો જ્યારે રામની અયોધ્યા ધ્રુવીકરણની પ્રયોગશાળા બની ગઈ હતી. ભાવનાઓનાં ઘોડાપૂર ધસમસી રહ્યાં હતાં. નવા ચહેરા સાથે ઇતિહાસ વર્તમાનના બારણે ટકોરા મારી રહ્યો હતો. ઇતિહાસનો આ તબક્કો પક્ષ અને વિપક્ષ જ નહીં, નિરપેક્ષની પણ પરીક્ષા લઈ રહ્યો હતો. આ જ કારણે અત્યાર સુધી જે નિષ્પક્ષ કહેવાતા કે મનાતા હતા એ લોકો પણ કોઈ ને કોઈ પક્ષ ભણીનું વલણ અપનાવવા મજબૂર થઈ ગયા હતા. અયોધ્યા સાથે સંકળાયેલા પક્ષોએ રામને ગાંધી અને લોહિયાની દૃષ્ટિએ જોયા હોત તો તેઓ તેનો મર્મ, દેશનું મન અને નિરપેક્ષતાનો ધર્મ ઘણી સરળતાથી સમજી શક્યા હોત પરંતુ એ બધામાં મોટા ભાગનાએ 'રામ હતા કે નહીં?' એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં પોતાની તમામ બુદ્ધિશક્તિ ખર્ચી નાખી, લઘુમતીમાં હતા પરંતુ વી. પી. સિંહ 'હજી સુધી વડાપ્રધાન જ હતા અને 'મુલ્લા મુલાયમ' તરીકે પંકાઈ ગયેલા મુલાયમસિંહ જીદ પકડીને બેસી રહ્યા હતા. ૨૪ ઓક્ટોબરથી આરપારની લડાઈ શરૂ થઈ ગઈ. મુલાયમસિંહનું સરકારી હૅલિકોપ્ટર રોજ ત્રણ જિલ્લામાં ઊડવા લાગ્યું. વાસ્તવમાં એ પોતાના પક્ષમાં રેલીઓ યોજીને સમર્થનની ગાંસડી બાંધવા લાગ્યા હતા પરંતુ તેમની રેલીઓને કારણે સાંપ્રદાયિક ધ્રુવીકરણને વેગ મળી રહ્યો હતો. અયોધ્યામાં એક પ્રકારનો સ્વયંભૂ કફ્યૂ લદાઈ ગયો હતો. 'રામકોટ’ વિસ્તારમાં કોઈને જવાની પરવાનગી નહોતી. મુલાયમ પ્રતિબંધ મૂકતા ગયા ને કારસેવકોનો જુસ્સો વધી રહ્યો હતો. પાંચ લાખ કારસેવકોને અયોધ્યા પહોંચાડવાની જવાબદારી અશોક સિંઘલ અને વિનય કટિયારે ઉપાડી લીધી હતી. નાકાબંધીના નામે અયોધ્યા તરફ જતા પુલ ઉપર પણ પાકી દીવાલો ચણી દેવાઈ હતી. મોટી સંખ્યામાં ભાજપના. નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરાઈ રહી હતી. દિવાળીના તહેવારમાં પણ લોકો જેલમાં હતા. જેલોમાં આટલી બધી સંખ્યામાં લોકોને રાખવાની જગ્યા ન હોવાથી દરેક જિલ્લામાં અચોક્કસ મુદતના કારાવાસ બનાવી દેવાયા હતા. જેલમાં બંધ કરાયેલા લોકો માટે પ્રજાએ ભોજનની વ્યવસ્થા કરીને આસ્થાના જુવાળનું દષ્ટાંત પૂરું પાડયું હતું. લોકો પોતાના ઘરેથી ભોજન લાવીને જેલમાં બંધ લોકોને આપતા હતા. આ બાજુ અધિકારીઓ કેદીઓને જમાડવા માટે મળતા રૂપિયા ચાઉ કરી જતા હતા. પછી એ ખૂનખાર દિવસ આવ્યો.
ભાગ-૧૩
ઓક્ટોબર મહિનાની ત્રીસમી તારીખની સવાર અયોધ્યા માટે આશંકા અને અનિશ્ચિતતાથી ગ્રસ્ત હતી. પરિસ્થિતિ કોઈના પણ નિયંત્રણમાં નહોતી. મુલાયમસિંહ યાદવે અયોધ્યામાં ચકલુંય ફરકી નહીં શકે તેવું જાહેર કર્યું હતું. છતાં કારસેવકો આવી પહોંચ્યા. વાસ્તવમાં કારસેવકો સાથે રાજ્યની પોલીસનો વ્યવહાર મૈત્રીપૂર્ણ હતો. એ વખતનો એક કિસ્સો ઘણો જાણીતો બન્યો છે. ઉત્તરપ્રદેશના સોહાવલ પાસે રાજમાર્ગ બંધ હતો. કારસેવકોએ ત્યાં તૈનાત પોલીસ અધિકારી સમક્ષ બહુ કાકલૂદી કરી પરંતુ અધિકારીના પેટનું પાણી ન હાલ્યું. તેમણે કહ્યું આ રસ્તેથી કોઈ ચકલુંય અંદર નહીં આવી શકે, તેવો સરકારનો આદેશ છે અને હું તેનું કડકાઈપૂર્વક પાલન કરીશ. પરંતુ રસ્તા પરથી ઊતરીને કોઈ ખેતરમાંથી જાય તો હું શા માટે રોકું! બસ, પછી શું, કારસેવકો ખેતરના રસ્તે અયોધ્યામાં આવી ગયા. આ દિવસના સાક્ષી પત્રકાર અને લેખક હેમંત શર્માએ લખ્યું કે ત્રીસ ઓક્ટોબરે રાત્રે અઢી- પોણા ત્રણ વાગ્યાથી કારસેવકોએ સરયૂકિનારે પૂર્ણિમાસ્નાન શરૂ કરી દીધું હતું. સવારે 9 વાગ્યે કારસેવકો અને સાધુઓ સ્નાન કરીને નાનાં-નાનાં જૂથોમાં વિવાદાસ્પદ પરિસર ભણી આગળ વધ્યા. સુરક્ષાદળોએ પરિસરથી એક કિલોમીટર દૂર સુધીનો વિસ્તાર સીલ કરી દીધો હતો. શેરીઓના નાકે અને હનુમાન ગઢી પાસે પોલીસ ચોકીઓ બનાવી દેવાઈ હતી. કારસેવકો આ ચોકીઓ નજીક એકઠા થવા લાગ્યા. સુરક્ષાજવાનો હાંકી કાઢતા તો કારસેવકો ત્યાં રસ્તા પર બેસી જતા. ભીડ વધતી જોઈ અશ્રુવાયુના શેલ છોડાયા, લાઠીચાર્જ પણ કરાયો પરંતુ કારસેવકો અડગ રહ્યા. એ ટાણે જ અર્ધસૈનિક દળોએ એકાએક ગોળીઓ વરસાવી. કારસેવકોને શેરીઓમાં દોડાવી-દોડાવીને નિશાન બનાવ્યા. વહીવટીતંત્રની આ કાર્યવાહી એટલી અમાનવીય અને નિર્મમ હતી કે ઇજાગ્રસ્તોને સ્થળ પરથી ઉઠાવવાની પણ પરવાનગી નહોતી. ઘાયલો રસ્તા પર જ તરફડતા રહ્યા. આ પહેલાં છેલ્લા ૯ દિવસથી સરકાર અશોક સિંઘલની ધરપકડ કરવા માટે ઠેકઠેકાણે દરોડા પાડી રહી હતી પરંતુ સિંઘલ ૨૯ ઓક્ટોબરે જ અયોધ્યા પહોંચી ગયા હતા. સંઘના પ્રમુખ રજ્જુ ભૈયા, વિહિંપ અધ્યક્ષ વિષ્ણુ હરિ દાલમિયા, મહંત અવૈદ્યનાથને રસ્તામાં જ ઝડપી લેવાયા હતા. અટલજીને લખનઉ હવાઈમથકેથી જ ઝડપી લેવાયા હતા. ૩૦ ઓક્ટોબરે શ્રીશ ચંન્દ્ર દીક્ષિત, સિંઘલની સાથે જ અયોધ્યામાં જાહેરમાં દેખાયા. બંને ત્રીસ- ચાલીસ કારસેવકોના સુરક્ષાચક્રમાં જ રહેતા હતા. જ્યારે કેટલાક કારસેવકો પરિસરમાં ઘૂસી ગયા તો દીક્ષિતે વહીવટીતંત્ર સમક્ષ તેમને પરત મોકલવા માટે અપીલ કરવા મંજૂરી માગી. દીક્ષિત અને સિંઘલને ચબુતરેથી અપીલની પરવાનગી અપાઈ. તેઓ અંદર પ્રવેશ્યા ત્યારે કેટલાક કારસેવકો પરિસરમાં ઘૂસી ગયા, અચાનક કારસેવકોની સંખ્યા હજારોમાં થઈ ગઈ. એ તોડફોડ કરતા ગુંબજ પર ચઢી ગયા. પહેલા ત્રણ ગુંબજમાં બાકોરું પાડીને ધ્વજ ફરકાવી દીધા. પછી સ્ફૂર્તિથી નીચે ઊતરી ગયા. તેમનું નેતૃત્વ દીક્ષિત ઉપરાંત મહંત નૃત્યગોપાલ દાસ, સંત વામદેવ અને મહંત પરમહંસ રામચન્દ્ર દાસ કરી રહ્યા હતા. ભીડ સામે તંત્ર વામણું પુરવાર થયું પરંતુ થોડી જ વારમાં સૌ વેરવિખેર થઈ ગયા. સિંઘલ ઘવાયાની જાણ થતાં જ બપોરે અંદાજે ૨ વાગ્યે કારસેવકો ફરી બેકાબૂ થઈ ગયા. તેમણે એક બાજુની દીવાલ તોડી પાડી. ૨ યુવક ગુંબજ પર ચઢી ગયા. ધ્વજને વ્યવસ્થિત કરતા હતા ત્યારે સીઆરપીએફના જવાનોએ ગોળીઓ વરસાવી. બંને નીચે પટકાયા. ત્યાર પછી કારસેવકો પાછળનો પાયો ખોદવા લાગ્યા. ફરી ગોળી વછૂટી. ૧૧-૧૨ કારસેવક સ્થળ પર જ ઠાર મરાયો. તે પછી ભયાનક હિંસા થઈ પરંતુ ‘બડા સ્થાન' મંદિર પાસે અર્ધસૈનિક દળોએ ગોળીબાર કરવાનો તંત્રનો આદેશ માનવા ઇનકાર કર્યો. કારસેવકો સુરક્ષા જવાનોના પગે પડતા. જવાનો પીછેહઠ કરતા તો કારસેવકો આગળ વધતા. આવેશ અને આવેગની એ ક્ષણોમાં પીએસી (પ્રાદેશિક સશસ્ત્ર દળ)ના ૨ વર્દીધારી જવાને પણ કારસેવા શરૂ કરી દીધી. તંત્ર સફાળું જાગ્યું અને બંને જવાનને પરિસરમાંથી દૂર કરી દીધા.
ભાગ-૧૪
૩૦ ઓક્ટોબરના બારએ આ ગોળીબારમાં ચાળીસથી વધુ કારસેવકોના મોત થયા અને સંખ્યાબંધ લોકો લાપતા બન્યા. કંઈક લોકોને સરયૂ નદીમાં વહાવી દેવામાં આવ્યા. કોઈ જાણતું નથી. મૂળ બીકાનેર અને બાદમાં કોલકાતામાં રહેતા બે સગા ભાઈ શરદ કોઠારી અને રામકુમાર કોઠારીને સુરક્ષા દળોએ દિગંબર અખાડામાંથી બહાર ખેંચીને માથામાં ગોળીઓ મારી. કહેવાય છે કે ગુંબજ પર ભગવો લહેરાવનારાઓમાં આ બન્ને પણ હતા. બન્ને વર્ષોથી કોલકાતામાં વેપાર કરતા હીરાલાલ કોઠારીના પુત્ર હતા. નજીકમાં જ રસ્તા પર ઉભેલા સીતારામ માળીનો ગુનો માત્ર એટલો હતો કે તે ટીઅર ગેસના ગોળા ઉઠાવીને નદીમાં નાખી રહ્યો હતો, સુરક્ષા દળોએ તેના મોંઢામાં બંદુક ઠૂંસીને ગોળી મારી દીધી. ૩૦ ઓક્ટોબરની એ રાતે ફૈઝાબાદના સરકારી અધિકારીઓના ઘરે ચૂલો સળગ્યો નહીં. કારણ કે તેમની પત્નીઓએ શહેરના અન્ય લોકોની સાથે કમિશનરના ઘરને ઘેરી રહી હતી.
તેમના હાથોમાં તક્તિઓ હતી. જેના પર લખ્યું હતું- 'નિહથ્થા કારસેવકોની હત્યા બંધ કરો, જનરલ ડાયર ન બનો.' અહીં ફૈઝાબાદના અધિકારીઓના. પણ લોકોની ભીડ વધતી ગઈ. થોડી વાત કર્યા પછી કમિશનર ઘરના પાછલા દરવાજેથી ભાગી ગયા. લાઠીચાર્જમાં ઘાયલ અશોક સિંઘલને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. બીજા દિવસે હોસ્પિટલમાંથી ભાગી ગયા બાદ તેમણે નિવેદન આપ્યું કે અયોધ્યાના રસ્તાઓ પર કારસેવકોની પાછળ મુલાયમસિંહનો અહંકાર દોડી રહ્યો છે. અયોધ્યા ગોળીબારકાંડ બાદ દેશભરમાં ત્રીસથી વધુ શહેરોમાં રમખાણો થયા. આ ઘટનાઓમાં આશરે ત્રીસથી પાંત્રીસ લોકોના મોત થયા. ભાજપે વડાપ્રધાન વીપી સિંહ પર તીખા પ્રહારો કર્યા. વી.પી.એ મુલાયમસિંહને દિલ્હી બોલાવ્યા. રમખાણોના એક-બે દિવસ પછી કારસેવકો ફરી અયોધ્યા આવતા થયા. સરયૂ કાંઠે અને મઠો-મંદીરોમાં કારસેવકો ધામા નાખવા લાગ્યા હતા.
ભાગ-૧૫
૩૦ ઓક્ટોબરે અયોધ્યામાં ગોળીબારકાંડ થયો. દેશભરમાં હિન્દુત્વના જુવાળના બીજ રોપાયા. સપ્તાહ પછી સાત નવેમ્બરે વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર ગબડી પડી. ભાજપના સમર્થન પછી પણ તે બહુમત સાબિત કરી શકી નહીં. એ જ મહિને ચંદ્રશેખરના નેતૃત્વમાં કેન્દ્રને નવી સરકાર અસ્તિત્વમાં આવી. તેને કોંગ્રેસે બહારથી સમર્થન આપ્યું. નવા વડા પ્રધાને ફરી એકવાર અયોધ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો શરૂ કર્યા. ગૃહરાજ્ય મંત્રી સુબોધકાંત સહાયને બંને પક્ષો સાથે વાત કરવાની જવાબદારી સોંપાઈ. એક કમિટી બની જેમાં બંને તરફ ૮-૮ લોકો હતા. કમિટીમાં શરદ પવાર, ભૈરોસિંહ શેખાવતની સાથે મુલાયમસિંહને પણ રાખવામાં આવ્યા. છ બેઠક થઈ, એવું લાગ્યું કે ટૂંક સમયમાં ઉકેલ આવશે. બાદમાં સરકાર પર એવો આરોપ લાગ્યો તે તેનો દમ નીકળી ગયો. કોંગ્રેસ સરકાર પર રાજીવ ગાંધીની જાસૂસીનો આરોપ મૂક્યો અને માર્ચ ૧૯૯૧ માં ચંદ્રશેખર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો.
દેશ ફરી એકવાર સામાન્ય ચૂંટણીના ઉબરે આવી ગયો. ચૂંટણી ચાલી રહી હતી, અડધા દેશમાં વોટ પડી ચૂક્યા હતા ત્યારે જ દેશને એક મોટા પડકારનો સામનો કરવો પડ્યો. રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી. તેઓ શ્રીપેરુમ્બદુરમાં ચૂંટણી રેલીમાં ગયા હતા ત્યારે એલટીટીઈના માનવ બોમ્બ દ્વારા તેમની હત્યા કરવામાં આવી. આ સાથે ચૂંટણીનું વલણ બદલાયું. કોંગ્રેસ ૨૩૨ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો. ભાજપ ૮૫થી વધીને ૧૨૦ બેઠક પર આવી ગઈ. તે બીજી સૌથી મોટી પાર્ટી બની. દેશમાં પી.વી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની અને ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર બની. આખરે નવા વડાપ્રધાને પણ અયોધ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ શરૂ કર્યો. ક્યારેક કમિટીઓ બની, ક્યારેક મંત્રીઓની ફોજને લઈને અલગ અલગ ટાસ્ક શરૂ કરાયા. નરસિંહ રાવ વિશે એક વાત જાણીતી હતી કે તેઓ બોલતા કંઈક અને કરતા કંઈ બીજું જ. તેઓ રાજકારણના પાકા ખેલાડી હતા. ઘણા દિવસો સુધી તેઓ જાહેરમાં કશું બોલતા નહીં. ઘણા નેતાઓએ તેમને મોની બાબા કહેવાનું શરૂ કરી દીધું હતું.
પણ આ મૌન સૌથી મોટું રાજકીય હથિયાળ હતું. અમુક લોકો તો એવું પણ કહેતા કે જો વડાપ્રધાન ન હોત તો બાબરી મસ્જિદ તૂટી ન હોત. વિવાદના ઉકેલ માટે તેમણે એટલા બધા લોકોને જવાબદારી સોંપી હતી કે વાતચીત છેવટે નાટક બનીને રહી ગઈ. કેટલાકમાં ભાગલા પડ્યા તો કેટલા ગ્રૂપ અલગ અલગ વાતચીત કરી રહ્યાં હતાં. તેમની વચ્ચે કોઈ સંકલન ન હતું. ચાર મંત્રી અલગ અલગ ચર્ચા કરી રહ્યાં હતા. જેમાં શરદ પવાર, પી. આર. કુમારમંગલમ, કમલનાથ અને બલરામ જાખડનો સમાવેશ થાય છે. અમુક પત્રકારો અને ગુપ્તચર અધિકારીઓ પણ ચર્ચામાં સામેલ થયા. કેટલાક એવા પણ લોકો હતા જે માત્ર ચર્ચા જ કરતા હતા. સમાધાનની દિશામાં તેમણે કોઈ યોગદાન આપ્યું ન હતું. ભૈરોસિંહ શેખાવતના એક કથન મુજબ નરસિંહરાવ વાતચીતના નામે માત્ર સમય પસાર કરી રહ્યાં હતા. ચંદ્રશેખર સરકારની જેમ કોઈ ગંભીરતા ન હતી. એકવાર શેખાવતને વાતચીતમાં સામેલ થવાનો પ્રસ્તાવ મળ્યો. તેમણે કહેવાયું કે તમે અને શરદ પવાર વાતચીતમાં સામેલ થાવ પણ તેનો હિસ્સો ન બનો. આ કેવી રીતે શક્ય બને? આ દરમિયાન વડાપ્રધાન અયોધ્યા આંદોલનના નેતૃત્વને તોડવાનો પ્રયાસ કરતા હતા. આ પ્રકારના કામમાં તેમને તાંત્રિક ચંદ્રાસ્વામી મદદ કરી રહ્યાં હતા.
Comments (0)