ઉત્તર ગુજરાતના અરવલ્લી પહાડી પ્રદેશમાં વસતો ભીલ આદિવાસી સમાજ.
આદિવાસી નિસર્ગ સમાજમાં ફક્ત મનુષ્ય એકલો જ નથી વસતો. તેમાં પ્રકૃતિ, પશુ, પક્ષી વગેરે ભૂચર, જળચર અને ખેચર સૃષ્ટિ પણ સામેલ છે, સહભાગી અને સહપંથી છે. એમને મન એ પણ લોક છે અને એ પણ સહજીવન જીવે છે.
પ્રકૃતિ તત્ત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું ગૌરવ કરવું અને તેમના તરફ કૃતજ્ઞતા અને પૂજ્યભાવ દાખવવો એ જીવનદર્શન ધર્મદર્શન ભીલ આદિવાસી નિસર્ગ સમાજનું છે.
જળ આપતા મેઘને ઇંદ્ર (અંદર) ગણી ઉપાસવો, ફળ, ફૂલ અને ઘાસચારો આપતા અને ઋતુ પ્રમાણે અનેક રૂપ ધરતા પહાડને દેવ ગણી, પાલતું પશુ બીમાર પડે ત્યારે તેની માનતા(બાધા) માનવી, પ્રકૃતિના રૌદ્રરૂપ વંટોળને અનાજનો રક્ષકદેવ ‘રખી ગણવા અને તેની પુજા કરવામાં ન આવે તો ખોળામાં તૈયાર થયેલું અનાજ ઉઠાવી જશે એવી ધાર્મિક માન્યતા દૃઢ થવી વગેરે બાબતો આદિવાસી લોકજીવન પ્રકૃતિ તત્ત્વો સાથે ઓતપ્રોત હોવાનું સૂચન કરે છે.
પૃથ્વી પરના આ પ્રાકૃતિક દેવોએ બદલાતી પ્રકૃતિ પ્રમાણે અનેક રૂપ ધરી લોકજીવનમાં આનંદ અને આસ્થાના ભાવો જગવી 'હગ' (ચોખ્ખી પૂજા), 'વાંમણાં′ (મેલી પૂજા) ગોર (ગૌરી-પાર્વતીની પૂજા) જેવા ધાર્મિક ઉત્સવોનો સહજ વિકાસ કર્યો છે.
જેના આધારે આ ડુંગરદેવો સ્થિર રહ્યા છે, એ ધરતી પૃથ્વી- જમીન તરફ પણ ભીલ સમાજમાં પૂજ્યભાવ છે અને તેને માતા તરીકે પૂજે છે.
આદિવાસી સમાજો વૈવિધ્યસભર હોય છે. ધરતીના કયા ભાગમાં અને કુદરતની કેવી પરિસ્થિતિમાં તેઓ ઊછર્યા છે તેની ઉપર એમનાં શારીરિક દેખાવ – બંધારણ, રહેઠાણ, ખોરાક, વેશભૂષા, કલાકૌશલ્ય, સંગઠન, ધર્મ, રમતગમત વગેરે આધાર રાખે છે.
જન્મ, લગ્ન, મરણ વગેરેને લગતા સામાજિક રીતિરિવાજો અને ધાર્મિક ક્રિયાકાંડમાં વપરાતી વસ્તુઓ પણ ભૌગોલિક સંપત્તિને અનુકૂળ હોય છે.
આદિવાસી જૂથના નાનામોટા કદના અપવાદ સિવાય વિશ્ર્વના બધા સમાજોને કુદરતનાં સર્જક અને વિનાશક પરિબળો સાથે સામંજસ્યમાં અથવા સંઘર્ષમાં જીવન ટકાવવું પડે છે.
આધુનિક ઉદ્યોગીકરણથી પ્રભાવિત સમાજો કરતાં એમનું જીવન સૌથી વધુ કુદરતને અધીન હોય છે.
જંગલમાં વસતાં હિંસક પશુઓ અને પક્ષીઓ સાથે પણ એમણે સહિષ્ણુતાના સંબંધો જાળવ્યા હોય છે.
શિકાર કરીને પોષણ કરનારાઓ ઇષ્ટદેવનું નામ લઈને શિકારે જાય છે અને તેથી એક જાતનો સંયમ જળવાય છે.
તેમની સૌથી અગત્યની લાક્ષણિકતા એ છે કે એમણે કુદરતનાં પરિબળો ઉપર પોતાનું વર્ચસ્જમાવવાનો ઓછામાં ઓછો પ્રયત્ન કર્યો છે. આથી આદિવાસી પ્રદેશોમાં પર્યાવરણની સમતુલા જળવાઈ શકી છે. ધરતીની સંપત્તિ વેડફી નાખીને અવિચારીપણે જીવવાની ઘેલછા તેમનામાં જોવા મળતી નથી.
વસ્તી વિશિષ્ટતા અને ફેલાવો : ગુજરાત, આદિવાસીઓની બહોળી વસ્તી ધરાવનારાં રાજ્યોમાંનું એક છે.
ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી 1981ની વસ્તીગણતરી પ્રમાણે 48,48,586 છે, જે ગુજરાતની કુલ વસ્તીના 14.23% થાય છે. ભારતની કુલ વસ્તીમાં આદિવાસી વસ્તીના પ્રમાણ કરતાં તે બમણું છે.
આમ ગુજરાતમાં દર સાત વ્યક્તિએ એક આદિવાસી છે અને ભારતના દર દસ આદિવાસીએ એક આદિવાસી ગુજરાતનો છે.
ગુજરાતમાં છેક અંબાજીથી ઉંમરગામ સુધીના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સૂરત, વલસાડ અને ડાંગ જિલ્લાના 32 તાલુકાઓ અને 18 લઘુ વિસ્તારોને આવરી લેતી, ‘આદિવાસી પેટા યોજના વિસ્તાર’ તરીકે ઓળખાતી 1,95,984 ચોકિમી.ની, રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 14.31% જેટલા વિસ્તારને આવરતી, પટ્ટીમાં આદિવાસી વસ્તીનો ઘણો મોટો ભાગ (80.45%) વસે છે.
Comments (0)