ડો, બાબા સાહેબ આંબેડકર જયંતિ

  • મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર બાબાસાહેબ આંબેડકર
  • ૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬
  • તે એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા.
  • તેઓ ડૉ. બાબાસાહેબ ‘આંબેડકર’ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.
  • ડૉ. ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ (તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો.
  • તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા.
  • ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.
  • ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી.
  • શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલફિન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.
  • મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા.
  • ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું. આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા.
  • ભીમરાવની એ માટે પસંદગી થઈ. ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.

ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત

  • તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ. આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ. આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા.
  • ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા. ડૉ. આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકર ઘણાજ અપ્રિય થયા. સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું.
  • આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા. લંડનથી પાછા આવ્યા પછી ડૉ. આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો.

 બંધારણના ઘડવૈયા

  • ઈ.સ. ૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી.
  • ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી.
  • ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા.
  • ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ૧૯૪૮ના છેલા અઠવાડીયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી.
  • ડૉ. આંબેડકરે ૧૫ એપ્રિલ ૧૯૪૮માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો.
  • ૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up