
પ્રસ્તાવના :
- જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે.
- કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે, તે આ પુરસ્કાર મેળવી શકે છે.
- આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે.
- આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે.
- આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
સ્થાપના :
- ભારતીય સાહિત્ય-સંસ્કારનું જતન કરનારી અને એને ઉત્તેજન આપનારી સંસ્થા છે.
- સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સાહુ શાંતિપ્રસાદ જૈન દ્વારા વારાણસીમાં વિશિષ્ટ સંજોગોમાં 18 ફેબ્રુઆરી, 1944ના દિવસે તેની સ્થાપના થઈ.
- વારાણસીમાં 1944માં ભરાયેલા અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના અધિવેશનમાં દેશભરના વિદ્વાનો એકત્ર થયા હતા. તેમને શાંતિપ્રસાદ જૈનને મળવાનો અવસર પ્રાપ્ત થયો.
- તેનો લાભ લઈ પ્રાચ્યવિદ્યાની વિવિધ શાખાઓમાં સંશોધન, ગ્રંથસંપાદન, ભાષાંતર, સંગ્રહ, સંચય, પ્રકાશન જેવાં કાર્યો સુપેરે પાર પાડવાની સુવિધા પૂરી પાડે તેવી કેન્દ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાની આવશ્યકતા વિશે ચર્ચાવિચારણા કરીને સૂચિત યોજનાની રૂપરેખા રજૂ કરવામાં આવી.
- શાંતિપ્રસાદે વિદ્વાનોની એ યોજના સ્વીકારી અને ‘ભારતીય જ્ઞાનપીઠ’ નામની સંસ્થાની સ્થાપના કરી.
જ્ઞાનપીઠ પુરસ્કાર :
- ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા સૌથી વધારે જાણીતી થઈ તેના જ્ઞાનપીઠ પુરસ્કારથી. વાર્ષિક એક લાખ રૂપિયાના આ પુરસ્કારની સ્થાપના ઈ.સ.1965માં થઈ.
- પ્રથમ પુરસ્કાર 1966માં મલયાળમ કૃતિ ‘ઓતક્કુળલ’ માટે ગ. શંકર કુરૂપને અર્પણ કરાયો.
- ઈ.સ.1982માં તેની રકમ વધારીને દોઢ લાખ રૂપિયા કરાઈ. સમયાંતરે પુરસ્કારની રકમમાં વધારો કરાતો રહ્યો છે. ટૂંક સમયમાં સાહિત્યક્ષેત્રે જ્ઞાનપીઠ પુરસ્કારે મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી.
- આ પુરસ્કારે ભારતની ભિન્ન ભાષાઓનો આત્મા એક જ છે એ સિદ્ધ કરી બતાવ્યું છે. દિલ્હીમાં ભવ્ય સમારંભ યોજી રાષ્ટ્રપતિ જેવી સન્માનનીય વ્યક્તિના વરદ હસ્તે પુરસ્કારનું અર્પણ કરાય છે.
- પુરસ્કારની રકમના ચેક ઉપરાંત વાગ્દેવીની કાંસ્યમૂર્તિ પણ પ્રતીક રૂપે અપાય છે. પ્રમુખ ભારતીય ભાષાઓના પ્રતીક એવા પાંખડીઓવાળા કમળના આસન ઉપર હાથોમાં જ્ઞાન-ઉપકરણો ધારણ કરતી ચતુર્ભુજ વાગ્દેવીની પ્રતિમા પણ કલાર્દષ્ટિએ સુંદર હોય છે.
- મધ્યપ્રદેશની ધારા નગરીમાં આવેલા સરસ્વતી મંદિરમાં રાજા ભોજે 1035માં પ્રતિષ્ઠિત કરેલી વાગ્દેવીની મૂળ મૂર્તિ તેનો પ્રેરણાભૂત આધાર છે. (આ વાગ્દેવીની મૂળ મૂર્તિ બ્રિટિશ સંગ્રહાલય, લંડનમાં છે.) લેખક તથા તેની કૃતિ વિશે પ્રશસ્તિપત્ર અપાય છે.
- સમારંભ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કવિતાવાચન, કવિસંમેલન, નૃત્ય, ગીતસંગીત આદિ પ્રસ્તુત કરવામાં આવે છે.
- જ્ઞાનપીઠ ‘જ્ઞાનોદય’ નામે માસિક પત્રનું પ્રકાશન કરે છે. તેમાં નવોદિતોની રચનાઓ પણ છપાય છે. બીજું માસિક ‘જ્ઞાનપીઠ પત્રિકા’ પ્રકાશિત થાય છે. નીવડેલા સાહિત્યકારોની કૃતિઓ તેમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.
- દર વર્ષે ભારતીય ભાષાઓમાંથી ઉત્તમ કૃતિના લેખકને ભારતીય જ્ઞાનપીઠ તરફથી પારિતોષિક અપાય છે.
58મો જ્ઞાનપીઠ પુરસ્કાર- 2025
- ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (16 મે, 2025) નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યજીને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો હતો.
- આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ જગદગુરુ રામભદ્રાચાર્યને અભિનંદન આપ્યા હતા.
- તેમણે ગુલઝારને પણ જ્ઞાનપીઠ પુરસ્કાર માટે અભિનંદન આપ્યા હતા, જેઓ એવોર્ડ સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા. તેમણે ગુલઝારજી જલ્દીથી સંપૂર્ણપણે સ્વસ્થ અને સક્રિય બને અને કલા, સાહિત્ય, સમાજ અને દેશ માટે યોગદાન આપતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
- રાષ્ટ્રપતિએ કહ્યું કે સાહિત્ય સમાજને એક કરે છે અને જાગૃત કરે છે.
- 19મી સદીના સામાજિક જાગૃતિથી લઈને 20મી સદીના આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સુધી, કવિઓ અને લેખકોએ લોકોને જોડવામાં મોટી ભૂમિકા ભજવી છે.
- બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત 'વંદે માતરમ' ગીત લગભગ 150 વર્ષથી ભારત માતાના બાળકોને જાગૃત કરી રહ્યું છે અને હંમેશા કરશે.
- વાલ્મીકિ, વ્યાસ અને કાલિદાસથી લઈને રવિન્દ્રનાથ ટાગોર જેવા શાશ્વત કવિઓની કૃતિઓ સુધી, આપણે જીવંત ભારતનો ધબકાર અનુભવીએ છીએ. આ ધબકાર ભારતીયતાનો અવાજ છે.
- રાષ્ટ્રપતિએ 1965થી વિવિધ ભારતીય ભાષાઓના ઉત્કૃષ્ટ સાહિત્યકારોને પુરસ્કાર આપવા બદલ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતીય ભાષાઓમાં ઉત્કૃષ્ટ સાહિત્યકારોને પુરસ્કાર આપવાની પ્રક્રિયામાં, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારના પસંદગીકારોએ શ્રેષ્ઠ સાહિત્યકારોની પસંદગી કરી છે અને આ પુરસ્કારની ગરિમા જાળવી રાખી છે અને પ્રોત્સાહન આપ્યું છે.
- રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મહિલા લેખકો જેમ કે આશાપૂર્ણા દેવી, અમૃતા પ્રીતમ, મહાદેવી વર્મા, કુર્રાતુલ-આઈન-હૈદર, મહાશ્વેતા દેવી, ઇન્દિરા ગોસ્વામી, કૃષ્ણા સોબતી અને પ્રતિભા રેએ ભારતીય પરંપરા અને સમાજનું વિશેષ સંવેદનશીલતાથી અવલોકન અને અનુભવ કર્યો છે અને આપણા સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેમણે કહ્યું કે આપણી બહેનો અને દીકરીઓએ સાહિત્ય સર્જનમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ અને આ મહાન મહિલા લેખકો પાસેથી પ્રેરણા લઈને આપણી સામાજિક વિચારસરણીને વધુ સંવેદનશીલ બનાવવી જોઈએ.
- શ્રી રામભદ્રાચાર્યજી વિશે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે શ્રેષ્ઠતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમણે તેમના બહુપક્ષીય યોગદાનની પ્રશંસા કરી અને કહ્યું કે શારીરિક રીતે અશક્ત હોવા છતાં, તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી સાહિત્ય અને સમાજની અસાધારણ સેવા કરી છે.
- તેમણે જણાવ્યું હતું કે શ્રી રામભદ્રાચાર્યએ સાહિત્ય અને સમાજસેવા બંને ક્ષેત્રોમાં વ્યાપક યોગદાન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના ગૌરવશાળી જીવનમાંથી પ્રેરણા લઈને, ભાવિ પેઢીઓ સાહિત્ય સર્જન, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં સાચા માર્ગ પર આગળ વધતી રહેશે.
------------------------------------------------------
Comments (0)