- તાજેતરમાં ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતના નવનિર્મિત સુરત ડાયમંડ બુર્સનું (એસડીબી) તા. ૧૭.ડિસેમ્બર,૨૦૨૩ (રવિવાર) નાં રોજ લોકાર્પણ કર્યું છે.
- સુરત ડાયમંડ બુર્સ એ ગુજરાતના ડાયમંડ રિસર્ચ અને મરક્નટાઇલ સીટી (ડ્રીમ) પ્રોજેકટનો એક ભાગ છે.
- ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેબ્રુઆરી 2015માં એસડીબી અને ડ્રીમ સીટી પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું હતું.
- સુરત ડાયમંડ બુર્સ એ વિશ્વનો સૌથી મોટો ઑફિસ સંકુલ કહેવામાં આવે છે જેનો ફ્લોર વિસ્તાર ૬૭ લાખ ચોરસ ફૂટથી પણ વધારે છે.
- સુરતની નજીક ખજોદ ગામ ખાતે ૩૫.૫૪ એકર જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- સુરત ડાયમંડ બુર્સના મૅનેજમૅન્ટે જણાવ્યું છે કે ૧૬ માળની આ ઇમારત ૮૧.૯ મીટર ઊંચી છે.
- આ બિલ્ડિંગમાં ૧૬ માળના નવ ટાવરો છે જેમાં ૩૦૦ ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટની જગ્યા ધરાવતી ઑફિસો છે.
- આ બિલ્ડિંગમાં લગભગ ૪૫૦૦ જેટલી ડાયમંડ ટ્રેડિંગ માટેની ઑફિસો છે. આ ઇમારત એકસાથે એક લાખ લોકોને સમાવી શકે છે, આ ઉપરાંત તેમાં ૪૦૦૦ થી વધુ કૅમેરા ધરાવતી હાઇટેક ઍડવાન્સ સિક્યૉરિટી સિસ્ટમ પણ લગાડવામાં આવી છે.
- અત્યાર સુધી અમેરિકાના પેન્ટાગોનને દુનિયાની સૌથી મોટી ઇમારત તરીકે ગણવામાં આવતી હતી. પરંતુ સુરતના વેપારીઓનું કહેવું છે કે સુરતના ડાયમંડ બુર્સને દુનિયાની સૌથી મોટી ઇમારતનો ખિતાબ આપવામાં આવ્યો છે.
- એસ.ડી.બી.નાં મીડિયા કન્વીનર દિનેશ નાવડિયાનું કહેવું છે કે, "મુંબઈના કેટલાય ડાયમંડ કારોબારીઓએ પોતાની ઑફિસનો કબજો બિલ્ડિંગના ઉદ્ધાટન પહેલાં જ લઈ લીધો છે. આ ઑફિસો તેમને મૅનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલી હરાજી પછી ફાળવવામાં આવી છે.
- હાલમાં ૨૩૨ જેટલી ઑફિસો પૂર્ણરૂપે ચાલુ થઈ ચૂકી છે અને ૧૧૦૦ થી વધારે ઑફિસમાં ફર્નિચરને લગતું કામ ચાલુ છે."નાવડિયાએ ઉમેર્યું કે, "એસ.ડી.બી.માં રફ તેમજ કટ અને પૉલિશ હીરાનું બિઝનેસ-ટુ-બિઝનેસ ખરીદ અને વેચાણ થશે. અને બિલ્ડિંગમાં હરાજી માટે ઑક્શન હાઉસની સુવિધા પણ છે."
- આ ઉપરાંત હીરા ઉદ્યોગને લગતી અધતન મશીનરી, ટેકનૉલૉજી, જ્વેલરી ડિઝાઇન, ખરીદ-વેચાણ, સેમીનાર, આયાત-નિકાસ જેવી અનેક પ્રવૃત્તિઓ સતત ચાલતી રહેશે.
શું સુરત ડાયમંડ ઍક્સચેન્જ મુંબઈની ખાધની ભરપાઈ કરશે?
- મુંબઈના ઘણાંય વેપારીઓ તેમનો કારોબાર શાનદાર સુરત ડાયમંડ બજારમાં લઈ જઈ રહ્યા છે.
- સુરત ડાયમંડ બુર્સ સાથે સંકળાયેલા દિનેશ નાવડિયા કહે છે, “બીકેસી બુર્સમાં મારી ભાડા પર એક નાની ઑફિસ છે. પરંતુ વધુ પડતું ભાડું, મુંબઈમાં પ્રવાસ માટે લાગતો સમય અને અન્ય ખર્ચ ખૂબ વધી જાય છે. તેના કારણે અમે અમારો ધંધો સુરત ખસેડવા માટે મજબૂર થયા છીએ.
- ઉદ્યોગ માટેની તમામ જરૂરી નવીનતમ સુવિધાઓ સુરત ડાયમંડ બુર્સમાં છે. એ પરિસ્થિતિમાં સુરતમાં ઓછા ખર્ચે ધંધો કરી શકાશે.
- સુરતમાં હીરાનાં અસંખ્ય કારખાનાં છે. હીરાનું સૌથી વધુ ઉત્પાદન સુરતમાં થાય છે. દુનિયામાં મળતા ૧૧ પ્રકારના હીરામાંથી ૯ પ્રકારના હીરા સુરતમાં મળી આવે છે. હીરાના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ સુરતથી આવે છે.
- સુરતનાં કારખાનાંમાં બનેલા હીરાની દુનિયાભરમાં નિકાસ કરવા માટે ગુજરાતથી મુંબઈ, જયપુર અને દિલ્હી જવું પડે છે. કસ્ટમ હાઉસ અને મુંબઈની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને કારણે મુંબઈ હીરાના વેપારનું કેન્દ્ર બની ગયું હતું.
- પરંતુ, ગુજરાત સરકાર સુરત ડાયમંડ બુર્સમાં એક મોટું કસ્ટમ હાઉસ શરૂ કરી રહી છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ પણ વધારવામાં આવશે.
- કેન્દ્ર સરકારે પણ સુરતથી વધુમાં વધુ દેશો માટે વિમાન સેવાઓ શરૂ કરવાનો વાયદો કર્યો છે. કેન્દ્રીય કૅબિનેટે ૧૫ ડિસેમ્બરે જ સુરતના ઍરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
- આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ ડિસેમ્બરે સુરત એરપોર્ટનાં નવા બનાવેલા ટર્મિનલનું પણ ઉદ્ધાટન કરશે.
- જો આ વિમાન સેવા શરૂ થઈ જશે તો કનેક્ટિવિટી માટે મુંબઈની જરૂર નહીં પડે. તો શું હવે આખું બજાર સુરત તરફ જશે?
- મુંબઈના હીરાના વેપારી ઘનશ્યામ ધોળકિયાએ બીબીસી મરાઠીને જણાવ્યું હતું કે, "અમને મહારાષ્ટ્ર સામે કોઈ ફરિયાદ નથી. ટેક્સ તો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે. તેથી આ ટેક્સ તમામ રાજ્યોમાં સમાન છે. અમારું ઉત્પાદન સુરતમાં થાય છે. કોવિડ પછી ભારતીય ગ્રાહકોમાં ઘટાડો થયો છે. તેથી જ મોટા ભાગના હીરાની નિકાસ થાય છે."
- "મુંબઈના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ અને કસ્ટમ હાઉસને આનો ફાયદો થશે. હીરાની નિકાસ કરવી હોય તો મુંબઈથી કરો કે સુરતથી તેમાં કોઈ ફર્ક પડતો નથી. હવે એ સુવિધાઓ પણ છે. ઊલટું ખર્ચ પણ ઘટી રહ્યો છે. પરંતુ તમામ વેપારીઓ ગુજરાત જવાના નથી. જેમનો મુંબઈમાં વેપાર છે તેઓ અહીં જ રહેશે."
સુરત ડાયમંડ બુર્સથી સુરતનાં હીરાના વેપારીઓને શું લાભ થશે?
- સુરતના સ્થાનિક હીરાના વેપારી અને ધર્મા બોડકી ડીએમ પ્રાઇવેટ લિમિટેડનાં ડિરેકટર નિલેશ બોડકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે તેમણે તેમની ઑફિસ સુરત ડાયમંડ બુર્સમાં પાછલા મહિનામાં ખસેડી હતી. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા બોડકીએ કહ્યું કે, "૧૦૦ માંથી ૯૦ હીરા સુરતમાં પૉલિશ થાય છે. આ વિદેશથી ઇમ્પોર્ટ કરેલા રફ હીરાને પોર્ટથી સુરત લઈ આવવા માટેનો ખર્ચો અને પૉલિશ થયેલા હીરાને ફરીથી ઍક્સપોર્ટ કરવા માટેનો ખર્ચ એસડીબીનાં કારણે ધટી જશે. આ ઉપરાંત હીરાના પૉલિશના કામમાં પારંગત કારીગરોને અમારે બહાર મોકલવા પડતા અને તેમના રહેવા અને ખાવાપીવાનો ખર્ચો પણ અમારે ઉઠાવવો પડતો."
- "એસડીબીના કારણે અમારે કારીગરોને રાજ્યની બહાર મોકલવાની જરૂરત નહીં પડે જેથી હીરાના ઉત્પાદન ખર્ચમાં બેથી ત્રણ ટકાનો ઘટાડો થશે. આ ઉપરાંત, એસડીબી સુરતના હીરાનાં ઇમ્પોર્ટ અને ઍક્સપોર્ટના વેપારને પણ સરળ બનાવશે.
- " બોડકીએ ઉમેર્યું ,"આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની ઑફિસો એક જ સંકુલમાં હોવાને લીધે સ્થાનિક વેપારીઓ આંતરરાષ્ટ્રીય કંપનીઓના સંપર્કમાં આવશે. જેથી તેમને પોતાના હીરા વિદેશમાં ઍકસપોર્ટ કરવાની તકો મળશે."
- સ્થાનિક રોજગારની તકો વિશે વાત કરતાં, દિનેશ નાવડિયા કહે છે કે સુરત ડાયમંડ બુર્સના કારણે સુરતમાં લગભગ ૬૦-૭૦ હજાર નવી રોજગારની નવી તકો ઊભી થશે.
- નાવડિયાની આ વાતને સમર્થન આપતા બોડકીએ કહ્યું કે,"સુરત ડાયમંડ બુર્સના કારણે સુરતમાં લગભગ પ્રત્યક્ષ રીતે ૭૦-૮૦ હજાર નવી રોજગારની નવી તકો મળશે.
આ ઉપરાંત હીરાને લગતી મશીનરીને ચલાવવા માટેના કારીગરો અને તેની સાફ-સફાઈ તથા રખરખાવ માટે લોકોની જરૂરીયાત ૪૦-૫૦ હજાર નવી તકો ઊભી કરશે. આવી રીતે સુરતમાં કુલ લગભગ દોઢ લાખ નવી રોજગારની તકોનું સર્જન થશે."
Comments (0)