પ્રસ્તાવના
- હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા “યુનિફોર્મ સિવિલ કોડ” (UCC) લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ માન.રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની એક સમિતિની રચના કરી છે.
- આ સાથે આઝાદી પછી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ઉત્તરાખંડ બાદ દેશનું બીજું રાજ્ય બનશે.
- “યુનિફોર્મ સિવિલ કોડ” અથવા “સમાન નાગરિક સંહિતા” અથવા “સમાન દિવાની કાયદો” પણ કહે છે.
- જેનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ 44માં કરવામાં આવ્યો છે.
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) શું છે ?
- “યુનિફોર્મ સિવિલ કોડ”(UCC) સમગ્ર દેશ માટે એક કાયદો સુનિશ્ચિત કરશે.
- જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયોને તેમની વ્યક્તિગત બાબતો જેમ કે મિલકત, લગ્ન, વારસો, બાળક દત્તક લેવું વગેરે જેવી દીવાની બાબતોમાં દેશના દરેક ધર્મ, જાતિ, લિંગ તથા ભાષાના લોકો પર સમાનરૂપથી કાયદાઓ લાગુ પડશે.
- આનો અર્થ એ થયો કે ધર્મ પર આધારિત હાલના અંગત કાયદાઓ જેમ કે હિન્દુ મેરેજ એક્ટ (1955), હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ (1956) અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ (1937) લાગુ રહેશે નહીં.
- ભારતીય બંધારણમાં અનુચ્છેદ 44માં યુનિફોર્મ સિવિલ કોડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
અનુચ્છેદ 44 શું છે ?
- ભારતીય બંધારણમાં ભાગ 4ના અનુચ્છેદ 44માં નાગરિકો માટે સમાન દીવાની કાયદો (Uniform Civil Code) વિશેની જોગવાઈ આપવામાં આવી છે.
- આ અનુચ્છેદની જોગવાઈ અનુસાર ભારતના સમગ્ર રાજ્યક્ષેત્રમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો લાગુ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે.
યુનિફોર્મ સિવિલ કોડનું મૂળ અને ઈતિહાસ
- ભારતના વસાહતી યુગમાં સમાન નાગરિક સંહિતાની ચર્ચાઓ જોવા મળી હતી.
- વસાહતી ભારતમાં બ્રિટિશ સરકારના ઈ.સ.1835ના અહેવાલમાં ગુનાઓ, પુરાવાઓ અને કરારો સહિત ભારતીય કાયદાના એકસમાન સંહિતાકરણની માંગ કરવામાં આવી હતી.
- જોકે ઓક્ટોબર, 1840ના લેક્સ લોકી રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમોના અંગત કાયદાઓને સંહિતાકરણ (Codification) માંથી બાકાત રાખવા જોઈએ.
તેના માટે સમિતિની રચના :
- બ્રિટિશ શાસનના અંતમાં અંગત મુદ્દાઓને લગતા કાયદામાં થયેલા વધારાના કારણે સરકારે વર્ષ ઈ.સ.1941માં હિન્દુ કાયદાને સંહિતા બનાવવા માટે બી.એન. રાવ સમિતિની રચના કરવામાં આવી હતી.
- આ સમિતિનું કામ હિન્દુ કાયદાઓની આવશ્યકતાના પ્રશ્નની તપાસ કરવાનું હતું.
- આ સમિતિએ શાસ્ત્રો અનુસાર એક કોડીફાઈડ હિન્દુ કાયદાની ભલામણ કરી હતી, જે મહિલાઓને સમાન અધિકાર આપશે.
- સમિતિએ ઈ.સ.1937ના કાયદાની સમીક્ષા કરી અને હિન્દુઓ માટે લગ્ન અને ઉત્તરાધિકારના નાગરિક સંહિતાની માંગણી કરી હતી.
- રાવ સમિતિના અહેવાલનો ડ્રાફટ ડો. બી. આર. આંબેડકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિને સુપરત કરવામાં આવ્યો હતો.
- આ સમિતિની રચનાના પરિણામે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો (Hindu Succession Act, 1956) વર્ષ ૧૯૫૬માં અમલમાં આવ્યો હતો.
આ કાયદો (UCC) શા માટે જરૂરી છે ?
- યુનિફોર્મ સિવિલ કોડનો એક ઉદ્દેશ્ય મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને ધાર્મિક લઘુમતીઓ સહિત સંવેદનશીલ વર્ગોનું રક્ષણ કરવાનો છે.
- એક દેશ, એક કાયદો હશે તો રાષ્ટ્રવાદની લાગણી પણ પ્રબળ હશે.
- યુનિફોર્મ સિવિલ કોડના કારણે વિવિધ કાયદાઓને સરળ બનાવવામાં પણ મદદ મળશે.
- ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, જાતિ અને ધર્મના આધારે જુદા જુદા કાયદા અને લગ્ન કાયદા છે.
- આ અલગ અલગ કાયદાઓ અને મેરેજ એક્ટના કારણે સામાજિક માળખું બગડી ગયું છે.
- આ કારણોસર દેશમાં લાંબા સમયથી યુનિફોર્મ સિવિલ કોડની માંગ કરવામાં આવી રહી છે.
- યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ તમામ જાતિઓ, ધર્મો, વર્ગો અને સંપ્રદાયોને સમાન વ્યવસ્થા હેઠળ લાવવાનો પ્રસ્તાવ છે.
- યુનિફોર્મ સિવિલ કોડની માંગનું એક મોટું કારણ એ છે કે અલગ-અલગ કાયદાઓને કારણે ન્યાયિક વ્યવસ્થાને પણ અસર થાય છે.
- હાલમાં લોકો લગ્ન, છૂટાછેડા જેવા અનેક મુદ્દાઓના સમાધાન માટે પર્સનલ લો બોર્ડમાં જાય છે.
- ગોવા અને ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ અત્યાર સુધી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય ગોવા હતું.
- ગોવાએ ઈ.સ.1961માં પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયા પછી ગોવા સિવિલ કોડ તરીકે ઓળખાતા તેનો સામાન્ય પારિવારિક કાયદો જાળવી રાખ્યો હતો.
- જયારે ઉત્તરાખંડ આઝાદી બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.
--------------------------------------------------------
GPSC / CCE / મુખ્ય પરીક્ષા માટે પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે?
👉 "યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) એ શું છે" : - ઓછામાં ઓછા 200 શબ્દો પર નિબંધ લખો.
--------------------------------------------------------
Comments (0)