રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો:

  • ભાષામાં રૂપોનાં સંયોજનો દ્વારા વિવિધ પ્રકારની શબ્દ રચનાઓ થાય છે. આ શબ્દરચનાઓમાં એવી પણ કેટલીક રચનાઓ થાય છે કે જેમાં રમણીયતાનું તત્વ હોય છે.
  • એકના એક પ્રકારના કે એકબીજાને મળતા આવતા ધ્વનિઓનું અનુસરણ એમાં પ્રાસનું તત્વ જન્માવે છે. આરોહ- અવરોહની આવી સુરાત્મક્તા-લયાત્મકતા ભાષાને આકર્ષક બનાવે છે.
  • દરેક ભાષામાં અસરકારક અને સરસ રીતે વ્યક્ત થવાની ક્ષમતા હોય છે. પોતાની અભિવ્યક્તિને અસરકારક બનાવવા દરેક વ્યક્તિ ક્યારેક ધ્વનિએકમોને, ક્યારેક શબ્દએકમોને તો ક્યારેક અર્થએકમોને એના એ સ્વરૂપે અથવા તો થોડા વિકાર સાથે બેવડાવે છે. એ રીતે પોતાની ભાષાને પ્રાસતત્વથી, લયથી એમ વિભિન્ન રીતે સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે.
  • ભાષામાં દ્વિરુક્ત પ્રયોગો અને રવાનુકારી શબ્દો આ આદતનું જ સુંદર પરિણામ છે.
  • ‘દ્રિ’ એટલે બે. અને ‘ઉક્તિ' એટલે બોલાયેલું તે. અર્થાત્ દ્વિરુક્ત’ એટલે જે બે વખત બોલાય છે તે,

દ્વિરુક્ત શબ્દો :

ઉદાહરણો :

ઠેરઠેર ખાડા પડી ગયા છે.

ગરમાગરમ ભોજન તૈયાર છે.

લાડબાડું મળશે કે નહિ ?

પંકજે ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં,

ચોપડી બોપડી વાંચવી જોઈએ.

પેનબેન રાખો છો ખરાં ?

લેસનબેસન લખવા બેસો.

સવારે ભજનબજન કરવાં જોઈએ.

ગીતબીત ગાતાં આવડે છે ?

ખોટી દોડાદોડી ન કરશો.

વિદ્યાર્થીઓ વર્ગમાં મારામારી કરતાં હતાં.

બાળકો તેઓને રમવા માટે વારંવાર પૂછતાં હતાં.

 

  • દ્વિરુક્ત પ્રયોગોને સમજવા માટે અમુક અલગથી પેટા પ્રકાર પાડવામા આવ્યા છે જે નીચે મુજબ છે:

 (૧) સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો :

ઘેરઘેર, માંડમાંડ, મનમાંમનમાં, પાંચપાંચ, ધીમેધીમે, વારંવાર, વગેરે શબ્દપ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે. આવા પ્રયોગોને સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો કહે છે.

 

(૨) અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ :

કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય, પણ તેમાંથી કોઈ ધ્વનિનો લોપ થતો હોય.

જેમ કે,

‘આટઆટલું” એમાં ‘આટલું આટલું'ને સ્થાને 'લું' ધ્વનિનો લોપ થઈને ‘આટઆટલું‘ દ્વિરુક્ત પ્રયોગ થયો છે. ‘કેટકેટલું’ માં પણ એવો જ પ્રયોગ છે. જેને અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ કહેવાય. આ સિવાય રાતોરાત, ભારોભાર, બારોબાર, ઊપરાઉપરી, વખતોવખત, ચૂપચાપ, ઝપાઝપી વગેરેમાં અમુખ અંશના લોપવાળી દ્વિરુક્તિ જેવા મળે છે.

 

(૩) પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગ :

પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રાસ માટે પ્રયોજાયેલા હોય છે. એમાં બે રૂપ જોડાય ત્યારે કાં તો બન્ને રૂપ સાર્થક હોય, કાં તો આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાયું હોય, અથવા તો પાછળનું રૂપ સાર્થક હોય અને આગળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાયું હોય છે.

જેમ કે,

બંને રૂપ સાર્થક હોય ત્યારે

તોડફોડ, ખાધુંપીધું, ચડતીપડતી, આવકાવક, આગળપાછળ, જયાંત્યાં વગેરે.

 

પ્રથમરૂપ સાર્થક હોય ત્યારે

ઘરબર, લાકડીબાકડી, ચોપડીબોપડી, કાગળબાગળ, કામબામ, માથુંબાથું, વાળબાળ, પેનબેન, શાકબાક, પાણીબાણી, ઠંડુબંડુ વગેરેમાં પ્રથમરૂપ સાર્થક બને છે જયારે બીજારૂપનો અર્થ પ્રાપ્ત થતો નથી.

 

બીજું રૂપ સાર્થક હોય ત્યારે

જંતરમંતર, આડોશીપાડોશી, આમનેસામને, આસપાસ, આજુબાજુ વગેરેમાં બીજું રૂપ સાર્થક થયેલું જોવા મળે છે.

 

(૪) સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો :

કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપો જોડાતાં હોય અને જોડનાર તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરુક્ત પ્રયોગો થાય છે. આ, એ, ઓ, અં વગેરે સંયોજકો વચ્ચે મુકવાથી આવા પ્રયોગો થાય છે.

આ    :- દોડાદોડી, ગાળાગાળી, ગરમાગરમ, હસાહસ, બૂમાબૂમ, રાડારાડી, પડાપડી, મારામારી વગેરે.

એ     :- ઘેરઘેર, ગામેગામ, ચોખ્ખચોખ્ખું, આખેઆખું, ખાધેપીધે વગેરે.

ઓ    :- રાતોરાત, ભારોભાર, બારોબાર, ઉત્તરોત્તર, મનોમન, હાથોહાથ, ભવોભવ વગેરે.

અં     :- વારંવાર, ખુલ્લંખુલ્લા, બોલંબોલા, કુંદકૂદા, ખેંચંખેંચી વગેરે.

 

(૫) સ્વર કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો :

કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવે છે.

જેમ કે,

સ્વરભેદ હોય તેવા પ્રયોગો

સાફસૂફી, ઠીકઠાક, ઊપરાઊપરી વગેરે.

 

વ્યંજનભેદ હોય તેવા પ્રયોગો

બોલ્યુંચાલ્યું, લીપ્યુંગૂંપ્યું, નામઠામ વગેરે.

 

રવાનુકારી શબ્દપ્રયોગો :-

'રવ' એટલે અવાજ. જે શબ્દપ્રયોગો દ્વારા અવાજનું - નાદનું તત્ત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને ‘રવાનુકારી પ્રયોગો' કહે છે.

  • આવા પ્રાસતત્વથી કે લયતત્વથી ભાષામાં સુંદરતાનું, મધુર્યનું તત્ત્વ ઉમેરાયું છે; અને એમાંથી અર્થનું દ્રઢિકરણ પણ થતું હોય છે. એ રીતે આપણી ભાષાભિવ્યક્તિ વધુ ધારદાર, અને અસરકારક બનાવી શકાય.

ઉદાહરણો :

દિવાળીના દિવસોમાં ઝળહળ ઝળહળ દીવા થાય.

દરેક બાબતમાં બહુ કચકચ સારી નહીં.

કૂતરીનું ગલુડીંયુ દડબડ દડબડ દોડે છે.

બંદુકમાંથી છનનન કરતી ગોળી છૂટી.

ચોમાસામાં ઝબઝબ ઝબઝબ વીજળી ઝબકે છે.

શ્રાવણ માસમાં ઝરમર ઝરમર વરસાદ વરસે છે.

વડ પરથી ટપટપ ટેટા પડવા માંડ્યો.

ડુંગર પરથી ખળખળ ખળખળ ઝરણાં વહે છે.

મદારીની ડુગડુગી વાગી અને બાળકો ઘરમાંથી દોડી આવ્યા.

દશરથ રાજાએ અંધારામાં બુડબુડ અવાજ સાંભળ્યો.

બાળકો ધીમો ધીમો ગણગણાટ કરતાં હતાં.

ઘડિયાળના કાંટા ટકટક અવાજ કરતાં હતાં.

ડુંગરમાંથી ઝરણું અવિરત ખળખળ વહી રહ્યું હતું.

ગામડામાં વહેલી સવારે વલોણાનો ઘમ્મર ઘમ્મર અવાજ સાંભળવા મળે.

બગીચામાં રંગબેરંગી ફૂલોનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.

 

GPSC મુખ્ય પરીક્ષા માટેનાં પ્રેક્ટીસ કરી શકાય તે માટેના અગત્યના પ્રશ્નો:

(૧) દ્દિરુક્ત શબ્દો એટલે શું? તેના પાંચ ઉદાહરણો સાથે સમાજવો.

(૨) સંપૂર્ણ દ્દિરુક્તવાળા પ્રયોગો એટલે શું? ઉદારણ સાથે સમજાવો.

(૩) અમુક અંશનાં લોપવાળા દ્રિરુક્ત શબ્દો એટલે શું? ઉદારણ સાથે સમજાવો.

(૪) પ્રાસતત્વવાળા દ્રિરુક્ત પ્રયોગો એટલે શું? ઉદારણ સહિત સમજાવો.

(૫) સંયોજકવાળા દ્રિરુક્ત શબ્દો ઉદારણ સાથે સમજાવો.

(૬) ‘સ્વર કે વ્યંજન ભેદવાળા દ્રિરુક્ત પ્રયોગો’ ઉદાહરણ સાથે સમજાવો.

(૭) રવાનુકારી શબ્દપ્રયોગોની વ્યાખ્યા આપો અને તેના પાંચ ઉદાહરણો સાથે સમજાવો.

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up